ટોરન્ટો: કેનેડાની ૭૦ વર્ષનાં એક મહિલા વિશ્વના પ્રથમ ક્લાઈમેટ ચેન્જના દર્દી બન્યા છે. આ મહિલાને શ્વાસ લેવામાં તલીફ થઈ રહી છે. દર્દીની તપાસ કરનારા ડોક્ટર્સનું કહેવું છે કે દર્દીની હાલની સ્થિત માટે લૂ અને ખરાબ એર ક્વોલિટી જવાબદાર છે.
આ મહિલા દર્દી કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતની સિનિયર સિટિઝન છે અને ગંભીર અસ્થમાનો સામનો કરી રહ્યાં છે. કેનેડિયન અખબારો અનુસાર મહિલાની સારવાર કરી રહેલાં કન્સલ્ટિંગ ડોક્ટર કેલી મેરિટે ૧૦ વર્ષમાં પ્રથમ વાર દર્દીનું નિદાન લખતી વેળા કલાઈમેટ ચેન્જ શબ્દનો ઉપયોગ કર્યો છે. ડોકટર મેરિટે જણાવ્યું હતું હતું કે દર્દીને ડાયાબિટીસ છે અને થોડાક અંશે હૃદયની બીમારી પણ છે. તેઓ એર-કંડીશનર વગરના ટ્રેલરમાં વસવાટ કરે છે તેના પરિણામે લૂના કારણે તેના સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડી છે. ડો. મેરિટે જણાવ્યું હતું કે જો આપણે ફક્ત લક્ષણોના આધારે જ સારવાર કરતાં રહીશું અને બીમારીના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ નહીં કરીએ તો પરિસ્થિતિ વધારે બગડશે. આપણે ઉચિત સારવાર માટે બીમારીનું સાચું કારણ જાણવું પડશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પણ હાલમાં એર ક્વોલિટી અત્યંત ખરાબ થઈ રહી છે. હરિયાણામાં સળગાવવામાં આવતા કૃષિકચરા તથા ફટાકડાને કારણે દિલ્હી એનસીઆર અને ગાઝિયાબાદમાં હવાનું પ્રદૂષણ વધી ગયું છે. સુપ્રીમ કોર્ટે પણ આ અંગે વારંવાર ચેતવણી આપી છે પણ હવાની ગુણવત્તા સુધરતી નથી.
કેનેડાની નબળી એર ક્વોલિટી
ડો. મેરિટના કહેવા અનુસાર મહિલાની બીમારીની જાણકારી જૂન મહિનામાં મળી હતી. તે સમયે કેનેડામાં જોરદાર લૂનું મોજું ફરી વળ્યું હતું અને ટેમ્પરેચર ૧૨૧ ફેરનહીટ થઈ ગયું હતું. આખા દેશમાં સ્થિતિ અત્યંત ગંભીર હતી અને એકલા કોલંબિયામાં જ ૫૦૦ લોકોના મોત થયાં હતાં. એર ક્વોલિટી સામાન્યની તુલનાએ ૫૩ ગણી ખરાબ થઈ ગઈ હતી.