ટોરોન્ટોઃ કેનેડામાં ઇચ્છામૃત્યુની મંજૂરી હવે મુશ્કેલી બની રહી છે. અહીં ગયા વર્ષે એટલે કે 2021માં જ 10 હજારથી વધુ લોકોએ ઇચ્છા મૃત્યુ મારફતે પોતાના જીવનનો અંત આણ્યો છે. આ આંકડો કેનેડામાં સમગ્ર વર્ષ દરમિયાન થયેલા કુલ મોતના ત્રણ ટકા કરતાં વધુ છે. હવે ચાર મહિના બાદ માર્ચ 2023માં માનસિક રીતે બીમાર લોકોને પણ કાયદા હેઠળ ઇચ્છામૃત્યુની મંજૂરી મળી જશે. જે હેઠળ ટીનેજર્સને પણ ઇચ્છામૃત્યુનો અધિકાર આપી દેવાશે. આટલી મોટી સંખ્યામાં ઇચ્છામૃત્યુ અંગે ‘ધ ડીપ પ્લેસીસ: એ મેમોએર ઓફ ઇલનેસ એન્ડ ડિસ્કવરી’ના લેખક રોસ દૌતહત કહે છે કે જ્યારે વર્ષમાં 10 હજાર લોકો ઇચ્છામૃત્યુ મેળવી રહ્યા છે ત્યારે ઇચ્છામૃત્યુની મંજૂરી કોઇ સિવિલ સોસાયટીની નિશાની તરીકે રહી જતી નથી, પરંતુ તે આતંકનું રાજ્ય બની જાય છે. અલબત્ત દેશમાં મોટા ભાગના લોકો ઇચ્છામૃત્યુની મંજૂરીના સમર્થનમાં છે. ઇચ્છામૃત્યુના સમર્થક વર્ગનું માનવું છે કે ગૌરવની સાથે જીવન જીવવાની સાથે ગૌરવની સાથે મરવાનો પણ અધિકાર છે. એક અહેવાલમાં તો એવો પણ દાવો થયો છે કે કેનેડામાં આરોગ્ય કર્મચારીઓ એવા લોકોને પણ યુથેનેશિયાની સલાહ આપી રહ્યા છે જે આર્થિક રીતે પરેશાન થયેલા છે. રોસ દૌતહતે કહે છે કે આ તો ખરેખર વિનાશકારી વિચાર છે.
દર વર્ષે ઇચ્છા મૃત્યુના કેસો વધ્યાં
2015માં કોર્ટના આદેશ બાદ કેનેડામાં ઇચ્છામૃત્યુનો માર્ગ મોકળો થયો હતો. બીજા જ વર્ષે 2016માં કાયદો લાગુ થયો હતો અને 18 વર્ષથી વધુ વયના એવા લોકોને પણ જો ચોક્કસ પ્રકારની પરેશાની હોય તો તેમને ઇચ્છામૃત્યુની મંજૂરી મળી ગઇ હતી. ત્યારબાદ દર વર્ષે અગાઉના વર્ષની સરખામણીમાં વધારે ઇચ્છામૃત્યુના કેસ વધતા રહ્યા છે. 2020ની સરખામણીએ 2021માં જ ઇચ્છામૃત્યુના દરમાં 33 ટકા વધારે કેસ નોંધાયા છે. આ આંકડાથી ચોંકી ગયેલા માનવ અધિકાર સંગઠનોએ પણ કેનેડામાં ઇચ્છામૃત્યુના વધતા કેસો સામે સવાલો ઉઠાવ્યા છે.