વોશિંગ્ટનઃ અમેરિકાના નિષ્ણાંતોએ દાવો કર્યો છે કે કેન્સર, હૃદયરોગ સહિતની બીમારીઓની સારવાર રસી દ્વારા કરી શકાશે. અગ્રણી અમેરિકી ફાર્માસ્યુટિકલ કંપની મોડર્નાએ જણાવ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં કેન્સર, હૃદય રોગ અને ઓટોઇમ્યુન બીમારીઓ સહિતના ગંભીર રોગની રસી તૈયાર થઈ જશે. કેટલાક સંશોધકોનું કહેવું છે કે 15 વર્ષની પ્રગતિ માત્ર 12થી 18 મહિનામાં હાંસલ કરી શકાઈ છે. આવું માત્ર કોવિડની વેક્સિનના કારણે શક્ય બન્યું છે. મોડર્નાના ચીફ મેડિકલ ઓફિસર ડો. પોલ બર્ટને કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં દરેક પ્રકારની બીમારીઓ માટેની રસી બનાવવામાં સફળતા મળી જશે. 10 વર્ષ પછી આપણે એવી દુનિયામાં હોઈશું જ્યાં કોઈ પણ બીમારીના આનુવાંશિક કારણો સરળતાથી પારખી શકાશે તથા એમઆરએનએલ આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેની સારવાર કરી શકાશે.