લંડનઃ NHS દ્વારા ટુંક સમયમાં કેન્સર માટે નવી બ્લડ ટેસ્ટ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે જેના પરિણામે, ૨-૩ દિવસમાં પરિણામ મેળવી શકાશે અને વાર્ષિક ૫૦૦,૦૦૦ લોકોમાંથી કેન્સરના જોખમની શક્યતાને નિવારી શકાશે. આ સિસ્ટમનો વેસ્ટ યોર્કશાયરના પોન્ટેફ્રેક્ટ અને ડ્યૂસબરીમાં ૧,૩૦૦ લોકો પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. NHS ઈંગ્લેન્ડ દ્વારા યોર્કશાયર, લેન્કેશાયર, ચેશાયર, મર્સીસાઈડ, સરે અને એસેક્સમાં વ્યાપક ટ્રાયલ માટે ૧ મિલિયન પાઉન્ડની ગ્રાન્ટ અપાઈ છે.
લીડ્ઝના ૪૫ વર્ષીય ડેટા સ્પેશિયાલિસ્ટ ડો. રિચાર્ડ સેવેજ દ્વારા વિકસાવાયેલી પિનપોઈન્ટ-PinPoint ટેસ્ટ સિસ્ટમમાં બ્લડ સેમ્પ્લ્સના મૂલ્યાંકન અને પેશન્ટને કેન્સર હોવાની શક્યતા ચકાસવા આર્ટિફિશિયલ એનાલિસીસ કરવામાં આવે છે. ઊંચુ જોખમ ધરાવનારાને વિસ્તૃત ટેસ્ટ્સ અથવા સ્કેનિંગ માટે મોકલાય છે જ્યારે ઓછાં જોખમના પેશન્ટ્સ ઈન્વેઝિવ ઈન્વેસ્ટિગેશન્સ અને પરિણામો મેળવવાની રાહ જોવાની લાંબી પીડામાંથી બચી જાય છે.
ઈંગ્લેન્ડમાં દર વર્ષે લગભગ ૨.૫ મિલિયન લોકોને ચિંતાજનક લક્ષણો દેખાતા તેમના જીપી દ્વારા તાકીદે કેન્સર ઈન્વેસ્ટિગેશન માટે રીફર કરાય છે. બે સપ્તાહમાં કરાતા આ ઈન્વેસ્ટિગેશન્સમાં ઈન્વેઝિવ બાયોપ્સીઝ, કોલોનોસ્કોપીઝ અથવા બ્રોન્કોસ્કોપીઝ તેમજ CT અથવા MRI જેવાં સ્કેન્સનો સમાવેશ થાય છે. દર વર્ષે આવી પ્રક્રિયાઓમાંથી પસાર થતાં લોકોમાંથી ૧૭૦,૦૦૦ને જ કેન્સરનું નિદાન થાય છે એટલે કે ૯૩ ટકાને ઓલ-ક્લીઅર આપી દેવાય છે. PinPoint ટેસ્ટ સિસ્ટમનો હેતુ મોટી સંખ્યામાં લોકોને આવા સ્પેશિયાલિસ્ટ પરીક્ષણોમાંથી બચાવવાનો છે. રીફર કરાયેલા લોકોમાંથી પાંચમા ભાગના અથવા વાર્ષિક લગભગ ૫૦૦,૦૦૦ લોકોને હોસ્પિટલમાં ગયા વિના જ ઓલ-ક્લીઅર પરિણામ આપી શકાય છે.
GPદ્વારા રેફરલ વખતે સામાન્ય બ્લડ ટેસ્ટ લેવાય છે જેને લોહીમાં રહેલા પ્રોટીન્સ અને કેમિકલ્સને તપાસવા વિવિધ બાયોમાર્કર્સની રેન્જ માટે સ્ટાન્ડર્ડ NHS લેબોરેટરીમાં મોકલાય છે. તેના પરિણામોને અલ્ગોરિધમ્સ થકી ચકાસાય છે અને બે-ત્રણ દિવસમાં ઓછું જોખમ જણાય તેને વધુ પરીક્ષણોની જરૂર નહિ હોવાનું જણાવી દેવાય છે. ઉલ્લેખનીય છે કે ડો. રિચાર્ડ સેવેજ ૨૫ વર્ષના હતા અને કેમ્બ્રિજમાં PhD નો અભ્યાસ કરતા હતા ત્યારે હોજકિન લિમ્ફોમા કેન્સરનો ભોગ બન્યા હતા.