કેન્સરની ગાંઠનો નાશ કરતી કેમોથેરાપી પિલ

હેલ્થ બુલેટિન

Sunday 10th September 2023 06:11 EDT
 
 

કેન્સરની ગાંઠનો નાશ કરતી કેમોથેરાપી પિલ
કેન્સરના લાખો પેશન્ટ્સ માટે આશાસ્પદ સમાચાર છે કે તમામ પ્રકારના સોલિડ કેન્સર ટ્યૂમર્સનો નાશ કરતી નવી કેમોથેરાપી પિલ AOH1996ને લેબોરેટરીમાં ભારે સફળતા સાંપડી છે. આ ડ્રગ કેન્સરની ગાંઠની આસપાસના તંદુરસ્ત કોષોને નુકસાન કર્યા વિના જ ગાઠને ખતમ કરે છે.
AOH1996 નામે ઓળખાવાયેલી આ દવા કેન્સર્સમા જોવાં મળતાં તેમજ ગાંઠને વિકસવા અને ફેલાવવામાં મદદ કરતાં પ્રોટિન્સ પર જ હલ્લો બોલાવે છે. અગાઉ, પ્રોલિફરેટિગ સેલ ન્યુક્લીઅર એન્ટિજન (PCNA)ની સારવાર અશક્ય મનાતી હતી. નવી દવાનું પરીક્ષણ બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, બ્રેઈન, ઓવેરિયન અને સર્વિકલ, સ્કીન અને ફેફસાંના ટ્યૂમર સહિત 70 પ્રકારના વિવિધ કેન્સર કોષો પર કરાયું હતું અને બધા પર તેની અસર જોવા મળી હતી. અમેરિકામાં સૌથી મોટા કેન્સર સેન્ટર્સમાં એક લોસ એન્જલસની સિટી ઓફ હોપ હોસ્પિટલમાં કાર્યરત પ્રોફેસર લિન્ડા માલ્કાસને કેન્સરની ગાંઠનો નાશ કરતી દવા શોધવામાં સફળતા મળી છે. આ દવાને બાળપણના કેન્સર ન્યૂરોબ્લાસ્ટોમાથી 2005માં જાન ગુમાવનાર નવ વર્ષીય એન્ના ઓલિવિયા હીલીનું નામ અપાયું છે.

•••

ચાર મિનિટનું ઘરકામ કેન્સરનું જોખમ ઘટાડે
આજકાલ લોકોની શારીરિક મહેનત ઘટી ગઈ છે જેના પરિણામે અનેક રોગો શરીરમાં ઘર કરી જાય છે. JAMA ઓન્કોલોજીમાં પ્રકાશિત નવા અભ્યાસ મુજબ પરસેવો લાવતું માત્ર ચાર કે પાંચ મિનિટનું ઘરકામ અથવા તો મહેનતનું કામ કરવામાં આવે તો જીવલેણ કેન્સરના જોખમને 33 ટકા જેટલું ઘટાડી શકાય છે. યુનિવર્સિટી ઓફ સિડનના સંશોધકોએ જણાવ્યું છે કે મહેનતવાળું ઘરકામ, શોપિંગનું ભારે વજન ઉઠાવવું અથવા બાળકો સાથે દોડાદોડી સાથે રમવા સહિતના કાર્યો તમને રોગ સામે રક્ષણ આપી શકે છે. 3.5 મિનિટની ભારે શારીરિક પ્રવૃત્તિથી તમામ પ્રકારનું કેન્સર થવાનું જોખમ 18 ટકા, જ્યારે 4.5 મિનિટની મહેનતથી જોખમ 32 ટકા ઘટે છે સંશોધકોએ કસરત નહિ કરતા 22,000 લોકોને મૂવમેન્ટ ટ્રેકર સાથે સાંકળ્યા હતા અને લગભગ સાત વર્ષ સુધી તેમના આરોગ્યના રેકોર્ડ્ઝ પર નજર રાખી હતી. આશરે 2,356 લોકોને સરેરાશ 62 વર્ષની વયે કેન્સર થયું હતું. લિવર, ફેફસાં, કિડની, ગેસ્ટ્રિક કાર્ડિઆ, એન્ડોમેટ્રીઅલ, માઈલોઈડ લ્યૂકેમિયા, માયેલોમા, કોલોરેક્ટલ, માથું અને ગરદન, બ્લેડર, બ્રેસ્ટ, અન્નનળી જેવાં કેન્સર શારીક મહેનત સાથે સંકળાયેલાં છે. યુકેમાં દર વર્ષે આશરે 167,000 લોકો કેન્સરથી મોત પામે છે એટલે કે દર ચાર મિનિટે એક વ્યક્તિનું મોત થાય છે. હાલ 3 મિલિયન લોકોને કેન્સરનો રોગ છે અને નિષ્ણાતોની ચેતવણી છે કે 2040 સુધીમાં આંકડો વધીને 5.3 મિલિયન થઈ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter