લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી કોરોના વાઈરસ વેક્સિનની શોધમાં માનવ પરીક્ષણોના આગળના તબક્કે પહોંચી છે ત્યારે કેમ્બ્રીજ યુનિવર્સિટી મોડેથી પણ આ સ્પર્ધામાં સામેલ થઈ છે. જોકે, તેની રસી નીડલ-ફ્રી હશે અને હાઈ પ્રેશર શોટથી આપી શકાશે. શોધકર્તાઓના દાવા મુજબ તેઓ અન્યો કરતાં વધુ સમય કાર્યરત અને વધુ સલામત વેક્સિન આપશે. તે અલગ અલગ પ્રકારના વાઈરસ સામે પણ કામ કરશે.
કેમ્બ્રીજ યુનિવર્સિટીએ વેક્સિન કંપની DIOSynVax સાથે મળીને કોરોના વાઈરસ વેક્સિનની શોધની વૈશ્વિક સ્પર્ધામાં ઝંપલાવ્યું છે અને આગામી મહિનાઓમાં તેના ક્લિનિકલ ટ્રાયલ શરુ કરશે. બ્રિટિશ સરકારે તેના સંશોધકોને વેક્સિન વિકસાવવા ૧.૯ મિલિયન પાઉન્ડ ફાળવ્યા છે. કેમ્બ્રીજ સંશોધકોએ જણાવ્યું છે કે તેઓ નીડલ-ફ્રી રસી માટે પ્રયાસ કરી રહ્યા છે જેને જેટ ઈન્જેક્ટર દ્વારા હવાના ધક્કાથી ત્વચાના ઉપલા સ્તરમાં દાખલ કરી શકાય. આ રસી ઓક્સફર્ડ અને ઈમ્પિરિયલ દ્વારા RNA ના ઉપયોગથી વિકસાવાતી રસીથી અલગ હશે. કેમ્બ્રીજ દ્વારા સિન્થેટિક DNAનો ઉપયોગ થઈ રહ્યો છે.
વેક્સિન ડોઝ માટે યુકેના કરારો
મોટા અને અમીર દેશો વેક્સિન તૈયાર થાય તે પહેલાં જ સંશોધકો અને ફાર્મા કંપનીઓ સાથે તેની ખરીદવાની ડીલ કરી રહ્યા છે. યુકે સરકારે કોરોના વેક્સિન વિકસાવી રહેલી અનેક વૈશ્વિક કંપનીઓ સાથે રસીના ડોઝીસ માટે કરારો કર્યા છે. આમાં સૌથી વધુ ડોઝ ઓક્સફર્ડ- એસ્ટ્રેઝેનેકા પાસેથી મેળવાશે. અમેરિકાએ પણ ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સિન AZD1222ના ૩૦૦ મિલિયન ડોઝ માટે ૧.૨ બિલિયન ડોલરનો સોદો કર્યો છે. આ ઉપરાંત, ઓક્સફોર્ડની વેક્સિનનું ભારતમાં ઉત્પાદન સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કરશે.
ગ્લેક્સોસ્મિથક્લાઈન (GSK) અને સાનોફી પેશ્ચરઃ ૬૦ મિલિયન ડોઝ
એસ્ટ્રેઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીઃ ૧૦૦ મિલિયન ડોઝ
BioNTech/ યુએસ ઉત્પાદક ફાઈઝરઃ ૩૦ મિલિયન ડોઝ
વાલનેવાઃ ૬૦/૧૦૦ મિલિયન ડોઝ
જાનસીન (જ્હોન્સન એન્ડ જ્હોન્સન): ૩૦ મિલિયન ડોઝ
નોવાવેક્સ (યુએસ): ૬૦ મિલિયન ડોઝ
ઈમ્પિરિયલ કોલેજ લંડનઃ ડોઝ જાહેર થયા નથી