કોફી પીવા સાથે બાથરૂમની મુલાકાતનો શું સંબંધ?
તમે કદાચ નોંધ્યું હશે કે સવારમાં કોફીનો કપ પીવા સાથે લગભગ હંમેશાં બાથરૂમ/લેટ્રિનની મુલાકાતે જવું પડે તેમ બને છે. આ માત્ર તમારી વાત નથી. આમ થવાના ઘણા કારણો છે જેમાં તમારા જઠરના હોર્મોન્સ પર કોફીની અસર તેમજ તમે જ્યારે કોફી પીઓ તે સમયે આંતરડાની પ્રવૃત્તિ સહિતની બાબતોનો સમાવેશ થાય છે. કોફીથી ઘણા લોકોને મળવિસર્જનની ઈચ્છા થાય છે અને કેફિન વિનાની કોફીથી પણ આંતરડાની હિલચાલ શરૂ થઈ શકે છે. આમ તો કોફી પીવાથી દરેકને આવી ઈચ્છા થતી નથી પરંતુ, અભ્યાસ અનુસાર વસ્તીના ઓછામાં ઓછાં ત્રીજા હિસ્સાને અને પુરુષો કરતાં સ્ત્રીઓને આવી અસર અનુભવાય છે. કોફી પીવાના કારણે માત્ર ચાર મિનિટમાં તમારા આંતરડાના સ્નાયુઓના સંકોચનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે જેના લીધે મળવિસર્જન ની ઈચ્છા તીવ્ર બને છે. કેફિન વિનાની કોફીની સરખામણીએ કેફિન ધરાવતી કોફીથી આંતરડાના સ્નાયુઓના સંકોચન પર 23 ટકા વધુ તીવ્ર અસર થતી હોવાનું એક અભ્યાસ જણાવે છે. કોફી પીવાના લીધે ગેસ્ટ્રિન અને કોલેસિસ્ટોકિનિન (CCK) જેવા હોર્મોન્સનું ઉત્પાદન વધે છે જેનાથી ગેસ્ટ્રોકોલિક રિફ્લેક્સ એટલે કે જઠરના સ્નાયુઓની હિલચાલ અથવા આંકુચન અને સંકોચનની પ્રક્રિયાને વેગ મળે છે અને મળ આંતરડામાં આગળ ધકેલાય છે.
•••
ગ્લુટેન તત્વ મગજમાં સોજો લાવી શકે
ન્યૂ ઝીલેન્ડમાં યુનિવર્સિટી ઓફ ઓટાગોના સંશોધકોએ ઊંદરો પરના પ્રયોગોમાં નોંધપાત્ર સફળતા સાથે દાવો કર્યો છે કે ગ્લુટેન તત્વ મગજમાં સોજો લાવી શકે છે. સંશોધનમાં જણાયું હતું કે ઓછી કે વધુ ચરબી સાથેના આહારમાં ઉમેરાયેલા ગ્લુટેન તત્વના કારણે શરીરમાં વજન અને બ્લડ સુગર સહિત મેટાબોલિઝમ કે ચયાપચયની પ્રક્રિયા પર નિયંત્રણ રાખતા મગજનાં હાઈપોથેલામિક ક્ષેત્રમાં સોજો આવી શકે છે. ઊંદર અને માનવીમાં એકસરખી સિસ્ટમ હોવાથી આ અભ્યાસનું મહત્ત્વ વધી જાય છે. ગ્લુટેન એક પ્રકારનું પ્રોટિન છે જે ઘઉં, જવ, રાઈ અને અન્ય વ્યાપક વપરાશના અનાજમાં મળી આવે છે. આ ગ્લુટેન ઘણા પ્રોસેસ્ડ આહારમાં પણ ઉમેરવામાં આવે છે. સંશોધન મુજબ ગ્લુટેનનાં કારણે આવેલા હાઈપોથેલામિક ઈન્ફ્લેમેશન – સોજાથી મગજને નુકસાન, શરીરના વજનમાં વધારો અને અનિયંત્રિત બ્લડ ગ્લુકોઝ જેવી પરિસ્થિતિ સર્જાય છે જે આગળ વધીને સ્મરણશક્તિ ગુમાવવા તરફ પણ દોરી જાય છે.