વોશિંગ્ટન: કોરોના મહામારીનો સેકન્ડ વેવ સમગ્ર વિશ્વને ધમરોળી રહ્યો છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના વડા ટુડ્રોસ ગ્રેબિયલે ચેતવણી ઉચ્ચારી છે કે દુનિયા પર કોરોનાના વર્તમાન સ્ટ્રેન કરતાંય વધુ જીવલેણ પેન્ડેમિક ત્રાટકી શકે એમ છે. આથી આખા જગતે સાવધાન રહેવાની તાતી જરૂર છે.
તેમણે કહ્યું હતું કે અત્યારનો કોરોના સ્ટ્રેન પણ અગાઉના પેન્ડેમિક કરતાં ૧૯ ગણો વધારે ઘાતક છે. આ વાઇરસના લીધે જગતમાં અત્યંત ખતરનાક સ્થિત સર્જાઈ છે અને આ જ સ્થિતિ હજી લાંબા સમય સુધી યથાવત્ રહેશે. તેમણે અમેરિકા જેવા સંપન્ન દેશોને ચેતવણી આપી હતી કે કોરોનાની વેક્સિન ઝડપથી બધા નાગરિકોને આપી દેવાથી પણ જોખમ ટળવાનું નથી. વેક્સિન બધા જ ગરીબ દેશોના નાગરિકોને પણ આપવી અનિવાર્ય છે.
કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી કોરોનાના નવા નવા વેરિઅન્ટ ફેલાઈ રહ્યા છે ત્યાં સુધી જરા પણ બેદરકારી કે ગફલત ન દાખવવી જોઇએ. બધાએ ચોકસાઈ દાખવવાની જરૂર છે કે તેઓ કોઈ પણ ભૂલ ન કરી બેસે. આખું જગત જબરજસ્ત રોગચાળાનો સામનો કરી રહ્યું છે અને જોખમમાં છે, પરંતુ આ કંઈ છેલ્લી વખત નથી. ભવિષ્યમાં આના કરતાં વધારે જીવલેણ પેન્ડેમિક ત્રાટકે એવી પૂર્ણ શક્યતા સ્વીકારવી રહી.