વિશ્વના અનેક દેશોમાં લોકડાઉન લાગુ છે. લોકડાઉન જાહેર ન કર્યું હોય તો પણ દરેકને ઘરમાં રહેવાની સલાહ અપાઇ છે. ઘરમાં રહેવું પણ ક્વોરેન્ટાઇનનો જ એક ભાગ છે. ક્વોરેન્ટાઇનનો શાબ્દિક અર્થ છે ચેપનો પ્રતિકાર એટલે કે, એવી સ્થિતિ જેમાં કોઇ પણ વ્યક્તિને ચેપ લાગ્યો હોવાની આશંકાના કારણે અલગ રાખવામાં આવે છે. કોરોના વાઇરસનો અત્યાર સુધી કોઇ ઇલાજ કે વેક્સીન ઉપલબ્ધ ન હોવાના કારણે જેને ચેપ લાગ્યાની આશંકા હોય તેના માટે ક્વોરેન્ટાઇન જ એકમાત્ર ઉપાય છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર કોરોના લક્ષણવાળા ૫૦ ટકા કેસમાં લક્ષણ દેખાયાના ત્રણ દિવસના અંદર ક્વોરેન્ટાઇન શરૂ કરી દેવામાં આવે તો એક જ ઝાટકે ૩૮ ટકા કેસો ઘટાડી શકાય છે. આ આંકડા દર્શાવે છે કે, ક્વોરેન્ટાઇન કેટલું અસરકારક બની શકે છે. ક્વોરેન્ટાઇન અંગે લોકોમાં જાત-જાતના ભ્રમ ફેલાયેલા છે. કેટલાક લોકો તેને એકાંતનિવાસ તરીકે જુએ છે તો કેટલાકને એવું લાગે છે કે, ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવેલો વ્યક્તિ બીમાર છે કે બીમાર વ્યક્તિને જ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવે છે. ખરેખર તો ક્વોરેન્ટાઇન અને આઇસોલેશન (હોસ્પિટલમાં સૌથી અળગા રાખવું) બંને જુદી-જુદી બાબતો છે.
કેવી રીતે ખુદને હોમ-ક્વોરેન્ટાઇન કરશો?
આ દરમિયાન શું કરવું જોઇએ?
જો તમને ચેપ લાગવાની આશંકા છે તો તમારા સાથી, તમારા પરિવારના સભ્યોથી અંતર જાળવી રાખો. શક્ય હોય તો તમારા માટે અલગ રૂમ અને બાથરૂમ નક્કી કરી લો. રૂમ હવા-ઉજાસવાળો હોવો જોઇએ. વયસ્ક લોકો ઓછામાં ઓછા એક કલાક સુધી વ્યાયામ કરો. ઘરમાં જ ડાન્સ, યોગ અને સીડીઓ ચડવા-ઉતરવાનું કામ કરી શકાય છે. આ બધાની વચ્ચે પોતાના લક્ષણો પર જાતે નજર રાખો.
જો ઘરેથી કામ કરતા હો તો દર ૩૦ મિનિટે ૩ મિનિટનો બ્રેક લો. જો કોઇ મળવા આવે તો પણ તેનાથી એક બે મીટરના અંતરે બેસો. ઘરેથી ઓફિસનું કામ કરો છો તો સતત એક પોઝિશનમાં બેસવું નહીં. દર ૩૦ મિનિટે ૩ મિનિટનો બ્રેક લેવો.
શું ખાવું-પીવું જોઇએ? સામાન્ય પાણી પી શકો છો, સ્મોકિંગથી બીમારી ગંભીર થાય છે એ ન ભૂલો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હૂ) અનુસાર રોગપ્રતિકાર શક્તિ વધારનારી વસ્તુઓ ખાઓ. દારૂ અને ખાંડવાળા ડ્રિન્ક્સથી બચો. સ્મોકિંગ ન કરો કેમ કે તેનાથી કોવિડ-૧૯ના લક્ષણ વધી શકે છે. અમેરિકાના ‘પ્રોજેક્ટ હોપ’ના ડિરેક્ટર ટીમ કોટરના મતે સામાન્ય પાણી પી શકો છો.
શું ખરીદવું જોઇએ? એવી વસ્તુઓ ખરીદો જે લાંબા સમય સુધી બગડે નહીં. ભોજન સંબંધિત વસ્તુઓનો ઓછામાં ઓછો બે સપ્તાહનો સ્ટોક રાખો. પ્રયાસ કરો કે એક વખતમાં જ બધું શોપિંગ કરી લો. જેથી વારંવાર ઘરમાં બહાર ન નીકળવું પડે. શોપિંગ લિસ્ટમાં સાબુ, સફાઇનો સમાન, બાળકોના ડાયપર વગેરે સહિતની જરૂરી ચીજવસ્તુઓને જરૂર સામેલ કરો. ભોજનસામગ્રીમાં ખાસ એવી વસ્તુઓ ખરીદો, જે બગડી ન જાય અને લાંબો સમય ટકે.
સૌથી અનિવાર્ય છે સફાઇઃ થોડાક દિવસો માટે પોતાના ખાવાના વાસણ, ગ્લાસ વગેરે અલગ કરી દો. ટુવાલ, ચાદર પણ અલગ રાખો. ઉપયોગ પછી આ વસ્તુઓને ડેટોલ, સેવલોન વગેરે વડે ધુઓ. રસોડું, ટેબલ, બાથરૂમના હેન્ડલ, હેન્ગર, ફોન, કીબોર્ડ, દરવાજાનો નકૂચો, તાળા વગેરે જેવી કોઇ પણ સપાટી અને સામાન જેને વારંવાર સ્પર્શ કરવામાં આવે છે તેને સાફ કરતા રહો. બાથરૂમ ઉપરાંત ઘરમાં ટાઇલ્સ વગેરેની પણ દરરોજ સફાઇ કરો. વારંવાર હાથ ધોવા, ખાંસતા-છીંકતા સમયે રૂમાલનો ઉપયોગ કરવા જેવી સામાન્ય સાવચેતી રાખવી જોઇએ.
ક્વોરેન્ટાઇન-આઇસોલેશન, બંને જુદી-જુદી બાબત
ક્વોરેન્ટાઇન એટલે શું?ઃ તે તંદુરસ્ત વ્યક્તિને અલગ રાખવા માટે છે. જેને ચેપ લાગવાની શંકા છે. ક્વોરેન્ટાઇનમાં તેને રાખવામાં આવે છે, જે તાજેતરમાં જ પ્રભાવિત દેશમાંથી પરત ફર્યો હોય કે ચેપ લાગેલી વ્યક્તિના સંપર્કમા આવ્યો હોય. આ ૧૪ દિવસનો સમય હોય છે કેમ કે ૧૪ દિવસમાં સ્પષ્ટ થઇ જાય છે કે, વ્યકિત બીમાર છે કે નહીં. તેમાં વ્યક્તિ પરિવારની સાથે ઘરમાં જ, પણ અલગ રૂમમાં સાવચેતી સાથે રહી શકે છે.
આઇસોલેશન એટલે શું?ઃ આ એવા લોકો માટે છે જેમનામાં લક્ષણ દેખાય છે કે જેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આઇસોલેશનમાં એ વ્યક્તિને અલગ રાખવામાં આવે છે, જેના લશ્રણો સ્પષ્ટ હોય છે. આઇસોલેશન ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી વ્યક્તિ સંપૂર્ણ રીતે સાજો ન થઇ જાય કે કોઇ લક્ષણો ન દેખાય. તેમાં બીમાર વ્યક્તિએ એકલા જ રહેવાનું હોય છે. ડોક્ટરની દેખરેખ જરૂરી હોય છે.