ન્યૂ યોર્ક: અમેરિકાના સિએટલના રહેવાસી જ્હોન જિલોટને માર્ચ-૨૦૨૦માં કોરોના થયો હતો. તબિયત એ હદે બગડી કે ઘણા દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા. હવે તેમને લોંગ કોવિડની તકલીફ થઇ રહી છે. માત્ર જ્હોન લોંગ કોવિડથી પીડિત નથી. આસપાસ નજર ફેરવશો તો અહીં બ્રિટનમાં પણ આવા કેસ જોવા મળશે. કોરોના મટી ગયા પછી પણ લાંબા સમય સુધી તેની અસર શરીરના અન્ય ભાગોમાં અનુભવાય છે, જેને લોંગ કોવિડ કહે છે. લોંગ કોવિડની અસર જાણવા સંશોધકોએ સ્વસ્થ થઇ ચૂકેલા ૨૦૦ લોકોને ત્રણ મહિના સુધી મેડિકલ સુપરવિઝન હેઠળ રાખ્યા હતા. હવે નિષ્ણાતોએ તમામ પાસાંનો અભ્યાસ કરીને લોંગ કોવિડ માટે જવાબદાર ૪ પરિબળોની ઓળખ કરીને અલગ તારવ્યા છે, જે કોરોના સંક્રમિત વ્યક્તિમાં થોડાં અઠવાડિયાં બાદ સ્થાયી લક્ષણ હોવાનું વધતું જોખમ દર્શાવે છે.
આ ચાર પરિબળોમાં પહેલું છે - સંક્રમણની શરૂઆતમાં કોરોના વાઇરસ RNAનું સ્તર, જે વાઇરલ લોડનું સૂચવે છે. બીજું છે વિશેષ એન્ટિબોડીની ઉપસ્થિતિ, જે એન્ટિબોડીસ ભૂલથી શરીરના ટિશ્યૂ પર હુમલા કરે છે. ત્રીજું છે ઇપસ્ટિન-બાર વાઇરસનું નિષ્ક્રિય થવું. આ વાઇરસ મોટા ભાગના લોકોને સંક્રમિત કરે છે. અને ચોથું પરિબળ છે ટાઇપ-૨ ડાયાબિટીસ. સંશોધકોએ કહ્યું કે અભ્યાસોથી માલૂમ પડ્યું કે ડાયાબિટીસ લોંગ કોવિડનું જોખમ વધારતી ઘણી મેડિકલ કન્ડિશન્સ પૈકી એક છે. આ પરિબળો અને લોંગ કોવિડ વચ્ચે સંબંધ છે. માલૂમ પડ્યું છે કે લોંગ કોવિડની અસરોથી બચવા સંક્રમણની સારવાર બાદ તરત એન્ટિવાઇરલ ટ્રીટમેન્ટ આપવી જોઇએ. આ રિસર્ચ ‘સેલ’ જર્નલમાં પ્રકાશિત થયું છે. રિસર્ચ કરનારા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્રોફેસર ડો. સ્ટિવન ડીક્સે કહ્યું કે લોંગ કોવિડ સંદર્ભે બાયોલોજિકલ મિકેનિઝમ સાથેનો આ પહેલો સાર્થક પ્રયાસ છે. તેમણે ચેતવણી આપી કે આ નિષ્કર્ષની ખરાઇ કરવા હજુ વધારે રિસર્ચ કરવા પડશે.
૫૦ ટકાને ગંધ ન આવવાની સમસ્યા
સ્વિડનના વિજ્ઞાનીઓને પોસ્ટ-કોવિડ રિસર્ચથી માલૂમ પડ્યું કે પહેલી લહેરમાં સંક્રમણથી સાજા થઇ ચૂકેલા ૫૦ ટકા લોકો ગંધ ન આવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલાકમાં આ તકલીફ કાયમી ધોરણે ગંધના અહેસાસમાં ફેરફારની સમસ્યાનું કારણ બને છે. તેને લોંગ કોવિડના સંકેતરૂપે જોવાય છે. જોકે, ઓમિક્રોન સંક્રમિતોમાં ગંધ ન આવવાની સમસ્યા ડેલ્ટા અને આલ્ફા વેરિયન્ટની સરખામણીમાં ઓછી જોવા મળી છે.