લંડનઃ કોરોના મહામારીના કારણે બીજા વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ મૃત્યુ થઇ શકે છે. યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલના અભ્યાસમાં દાવો કરાયો છે કે બ્રિટનમાં કોરોના વાઇરસ, ખરાબ હેલ્થ સિસ્ટમ અને ગરીબીને કારણે ૫ વર્ષમાં આશરે ૬.૭૫ લાખ લોકોના મોત થઇ શકે છે. આ આંકડો બીજા વિશ્વયુદ્ધના મોત કરતા પણ વધુ છે.
વધુ ચોંકાવનારી બાબત છે કે લોકડાઉનથી મંદી અને ગરીબી હજુ વધશે તેવી ચેતવણી પણ અપાઇ છે. મંદી, ગરીબી અને બેદરકારીની સ્થિતિમાં મૃત્યુસંખ્યા હજુ વધી શકે છે.
સંશોધકો માને છે કે કોવિડ-૧૯ના વેક્સિન વિના બ્રિટને ૨૦૨૪ સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા મજબૂર થવું પડી શકે છે. યુનિવર્સિટીમાં રિસ્ક મેનેજમેન્ટના પ્રોફેસર ફિલિપ થોમસના કહેવા મુજબ આપણે સંક્રમણનો દર એકથી નીચે રાખવામાં સફળ થઇએ ત્યારે લોકડાઉનથી ધીમે-ધીમે બહાર આવવાની નીતિ અસરકારક નીવડશે.