બર્લિનઃ છેલ્લા ત્રણ વર્ષથી ૮૨ વર્ષનાં હેન્ની માયર જર્મનીના કોલોન શહેરમાં પોતાના કૂતરા યિપ્સીની સાથે એકલાં જ રહે છે. તેમના ડ્રોઇંગ રૂમની દિવાલો એવા સ્વજનોના ફોટાથી સજાવેલી છે કે જેઓ હવે તેમની સાથે રહેતા નથી. માયરના એક માત્ર પુત્રનું બે વર્ષ અગાઉ જ હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેમના પતિને ડિમેન્શિયા હોવાના કારણે એક નર્સિંગ હોમમાં દાખલ કરાયા છે. ગયા ઓક્ટોબરમાં નર્સિંગ હોમમાં કોરોનાનો એક દર્દી દાખલ થતાં નર્સિંગ હોમે માયરને જણાવ્યું હતું કે હવે તેઓ પોતાના પતિને મળવા આવી શકશે નહીં. આ સમાચાર તેમના માટે મુશ્કેલ હતા કેમ કે તેમના પરિવારના કોઇ સભ્ય કે મિત્ર તેમની નજીકમાં રહેતાં નથી. હેન્ની માયર કહે છે કે આ રોગચાળો ખરેખર એક અત્યંત કઠિન સમય છે અને હું એકદમ એકાકી થઇ ગઇ છું.
રોગચાળાના પ્રારંભે બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રિયા અને નેધરલેન્ડમાં થયેલા એક વિશાળ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોના લોકડાઉનના કારણે વૃદ્ધોમાં જોવા મળતું એકાકીપણું અત્યંત જોખમી સાબિત થઇ શકે છે. ડોક્ટર્સને એ બાબતની ચિંતા છે કે એકાકીપણાના કારણે લોકોનું જલદી મોત થઇ જાય છે.
સમાજથી વધારે સમય માટે દૂર રહેવાથી સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ ઊભી થાય છે, તેમાં ડિપ્રેશન અને ચિંતા, વધારે પડતો દારૂ પીવો અથવા ડિમેન્શિયા જેવી તકલીફો સામેલ છે. એકાકીપણું વૃદ્ધ રોગીની રોગપ્રતિકારશકિત અને હૃદયની કામગીરીને પણ નુકસાન કરી શકે છે.
યુરોપિયન કમિશનના અહેવાલ અનુસાર, યુરોપના લગભગ ત્રણ કરોડ વૃદ્ધો લોકડાઉન એકાકીપણાનો અનુભવ કરતા હતા અને ૭.૫ કરોડ લોકો પોતાના દોસ્ત અને પરિવારજનોને મહિનામાં ફક્ત એક વાર મળી શકતા હતા. આંકડા પ્રમાણે વૃદ્ધો એકાકીપણાનો આસાન શિકાર બનતાં હોય છે.
આયરલેન્ડમાં ટ્રિનિટી કોલેજમાં મેડિકલ બેરોન્ટોલોજીના પ્રોફેસર કેન્ની કહે છે કે જ્યારે તમે ઘરમાં એકલા જ વસવાટ કરતા હોવ અને કોઈ દિનચર્યા ના હોય અને કોઇને મળતાં ના હોવ ત્યારે માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઇ શકે છે.
વેબસાઉટ મારફત સંપર્ક જળવાતા હોસ્પિટલાઇઝેશનમાં ઘટાડો
ઇંગ્લેન્ડના સમરસેટ કાઉન્ટીના ૩૦,૦૦૦ લોકોની વસતી ધરાવતાં શહેર ફ્રોમમાં ડોક્ટરોએ એકાકીપણાની સમસ્યાને હલ કરવા માટે એક વેબસાઇટ મારફત સમગ્ર સમુદાયને તેની સાથે જોડાયેલા જૂથ અને સેવાઓ અંગેની માહિતી આપી હતી. તેના કારણે અસંખ્ય કોમ્યુનિટી કનેક્ટર્સ પોતાના પરિવાર, મિત્રો અને પડોશીઓ સાથે વાત કરી શક્યા. આ યોજના શરૂ થયાના ત્રણ વર્ષ પછી, એપ્રિલ ૨૦૧૩થી ડિસેમ્બર ૨૦૧૭ વચ્ચે હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યામાં ૧૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે આ જ ગાળા દરમિયાન આસપાસના વિસ્તારોમાં હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યામાં ૨૮.૫ ટકાનો વધારો જોવા મળ્યો હતો.
કમ્પેશનેટ ફ્રોમ પ્રોજેક્ટને સમરસેટના અન્ય વિસ્તારોમાં વિસ્તારવા માટે કામ કરી રહેલા ડોક્ટર જુલિયન એબેલ કહે છે કે માણસ પાસે બે અનોખી વસ્તુ છેઃ સૌથી વધારે સામાજિક પ્રાણી હોવાના કારણે તે સૌથી વધારે દયાળુ છે અને બીજી વાત એ છે કે આપણી પાસે વિકલ્પો છે. આપણે ફક્ત સહજ નથી, વધારે દયાળુ પણ થઇ શકીએ છીએ.
જર્મનીમાં સોશિયલ ડેમોક્રેટ સાંસદ અને ડોક્ટર કાર્લ લાઉટરબાખ સહિત કેટલાક અગ્રણી નિષ્ણાતોએ એકાકીપણા માટે કમિશનરની નિમણૂક કરવાની માગણી કરી હતી. ડો. કાર્લ કહે છે કે વૃદ્ધ લોકોએ રોગચાળાને નાબૂદ કરવાની કામગીરીમાં સૌથી વધારે સહન કર્યું છે.
હજુ પણ લોકો સ્વીકાર કરતા ગભરાય છે
કેટલાક સ્વૈચ્છિક સંગઠનોનો અભ્યાસ સૂચવે છે કે લોકો હજુ પણ પોતે એકાકીપણું અનુભવી રહ્યા હોવાનો સ્વીકાર કરતા ગભરાય છે. સંગઠનને સામાન્ય રીતે ત્યારે જ ખબર પડે છે કે જ્યારે કોઇ એકલી વ્યક્તિ અને તેની જરૂરિયાતના સંદર્ભમાં તેના પડોશી તેમને માહિતગાર કરે છે. આવું જ એક એનજીઓ ચલાવતા ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ જો ફિલિપ કહે છે કે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી અન્ય કોઈ વ્યક્તિ સાથે વાત ના કરે તો તે પછી શરૂઆતમાં તેનો સંપર્ક કરવામાં તેને બહુ વિચિત્ર લાગે છે. જે વૃદ્ધોનો સામાજિક સંપર્ક ઘણો ઓછો છે, તે બાબત તેમના સ્વાસ્થ્ય માટે જોખમી છે.