ન્યૂ યોર્ક: કોરોનાની મહામારીના કારણે દુનિયાભરનાં અર્થતંત્રો બરબાદ થઈ ગયા છે ત્યારે સૌને એક જ સવાલ મૂંઝવી રહ્યો છે કે આ જીવલેણ રોગચાળાનો આખરે અંત કયારે આવશે. હાલ જે રીતે દુનિયામાં કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તેને ધ્યાનમાં લઈએ તો હજી બીજા ૭ વર્ષ સુધી કોરોનાથી આખી દુનિયાને રાહત મળે તેવા અણસાર નથી.
બ્લૂમબર્ગ દ્વારા કોરોનાની વેક્સિનનો સૌથી મોટો ડેટા બેઝ બનાવવામાં આવ્યો છે. જે મુજબ ૧૧૯ મિલિયન લોકોને રસી અપાઈ ગઈ છે. અમેરિકાનાં વાયરોલોજી નિષ્ણાત એન્થની ફૌસીનાં જણાવ્યા મુજબ વિશ્વની ૭૦થી ૮૦ ટકા વસતીને કોરોનાની રસી આપવામાં આવે ત્યારે સ્થિતિ નોર્મલ બની શકશે.
રસીની અપ્રમાણસર ફાળવણી
દુનિયાભરમાં જે પ્રકારે કોરોના વેક્સિનની અપ્રમાણસર ફાળવણી થઈ રહી છે તેને ધ્યાનમાં લઈએ તો વર્લ્ડ ઇકોનોમીને ૯.૨ ટ્રિલિયન ડોલરનું નુકસાન થશે. ધનિક દેશો પાસે વેક્સિનનો વિપુલ જથ્થો છે જ્યારે અનેક ગરીબ દેશો સુધી વેક્સિન હજી પહોંચી નથી. આવા સંજોગોમાં ગ્લોબલ ઇકોનોમી માટે રિકવરીનું જોખમ તોળાઈ રહ્યું છે. રેન્ડ કોર્પોરેશનનાં અંદાજ મુજબ વર્લ્ડ ઇકોનોમીને દર વર્ષે ૧.૨ ટ્રિલિયન ડોલરનું નુકસાન થશે.઼
હવે ડિજિટલ વેક્સિન પાસપોર્ટ
એક તરફ દુનિયામાં વેક્સિનેશન ઝૂંબેશ ચાલી રહી છે તો બીજી તરફ સ્વીડન અને ડેનમાર્ક જેવા દેશોએ વેક્સિન લેનાર પ્રવાસીઓને અલગ તારવી શકાય તે માટે ડિજિટલ વેક્સિનેશન પાસપોર્ટ ઇસ્યુ કરવાની તૈયારી શરૂ કરી છે. આ બંને દેશ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પ્રવાસીનું વેક્સિનેશન કરાયું છે કે કેમ તેની માહિતી આપશે. વેક્સિનેશન ક્યારે થયું છે અને કેટલા ડોઝ અપાયા છે તેની તમામ વિગતો આમાં સામેલ હશે. જેના આધારે કયા પ્રવાસીનું વેક્સિન સ્ટેટસ શું છે તેની છેલ્લામાં છેલ્લી જાણકારી મળી રહેશે.