કોરોના મહામારી અંગે ગેરમાન્યતા અને હકીકત...
• ગેરમાન્યતાઃ માસ્ક (સર્જિકલ અને N95) સ્વરક્ષણ માટે ફરજિયાત છે
હકીકતઃ તંદુરસ્ત લોકો બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવું તેવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) પણ સૂચવતું નથી. જે લોકોને શરદી કે ઉધરસ હોય તેમણે ચેપ ફેલાતો રોકવા માસ્ક પહેરવું જોઇએ. માસ્ક પહેરવાથી તમે ચહેરાને વારંવાર સ્પર્શતા અટકો છો, પરંતું તંદુરસ્ત વ્યક્તિને માસ્કની કોઇ જરૂર નથી. માસ્ક ભીનું થાય કે ચોળાઇ જાય તો તે બદલવું જોઇએ. માસ્ક પહેરતા પહેલાં હાથ ધોવા અને યોગ્ય રીતે માસ્ક પહેરવું. જો હાથમાં ચેપ હશે તો માસ્ક ઉપયોગી નથી. માસ્કના ઉપયોગ પહેલાં અને પછી હાથ ધોવા જોઇએ.
• ગેરમાન્યતાઃ કોરોના હવાને લીધે ચેપ ફેલાવતો હોય છે
હકીકતઃ આ હવાથી ફેલાતો વાઇરસ નથી. ખાંસી કે છીંક ખાવાથી ઉડતાં છાંટા વાઇરસ ફેલાવે છે. આ ઉપરાંત ઉધરસ કે છીંકના છાંટા સરફેસ પર પડે તો વાઇરસ ત્યાં પણ લાગે છે. જોકે અહીં તે થોડાક કલાકો જ રહી શકે છે.
• ગેરમાન્યતાઃ લોખંડ પર કોરોનાનો વાઇરસ કાયમ માટે રહેતો હોય છે
હકીકતઃ જો ઘર કે અન્ય સ્થળે સરફેસ લોખંડની હોય તો વાઇરસ ૮થી ૧૦ કલાક રહે છે. સામાન્ય રીતે વાઇરસ ૩થી ૪ કલાક જ ટકે છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે, તાપમાન વધવાથી વાઇરસનો ચેપ ઘટશે, પરંતુ આ બાબત પુરવાર કરી શકે તેવો કોઇ અભ્યાસ થયો નથી અને વૈજ્ઞાનિક પુરાવા પણ નથી.
• ગેરમાન્યતાઃ ગરમી વધવાની સાથે ચેપી વાઇરસ પણ મરી જાય છે
હકીકતઃ ઉષ્ણકટીબંધના દેશોમાં પણ કોરોનાનો ચેપ જોવા મળ્યો છે માટે આ બાબત સત્ય નથી. તાપમાન વધવાથી વાઇરસ ફેલાતો પણ અટકશે એવું કહેવા માટે કોઇ વૈજ્ઞાનિક પુરાવા પણ નથી.
• ગેરમાન્યતાઃ કૂતરાં બિલાડી જેવા પાલતુ જાનવર કોરોનાના કેરિયર છે
હકીકતઃ આવી માન્યતાને કોઇ વૈજ્ઞાનિક આધાર નથી. હાલ આ વાઇરસ માણસમાંથી માણસમાં ફેલાયો છે. આથી પ્રાણીમાંથી તેનો ચેપ આવવાથી શક્યતા નથી.
• ગેરમાન્યતાઃ લસણ, મધ, લીંબુ વગેરેના ઘરગથ્થુ ઉપચાર ઉપયોગી છે
હકીકતઃ આ પ્રકારના ખાદ્ય પદાર્થો કે શાકભાજી કોરોના વાઇરસ સામે રક્ષણ આપતા હોવાનો કોઇ વૈજ્ઞાનિક પુરાવા હજુ સુધી મળ્યા નથી. હા, આ પ્રકારના ખાદ્ય પદાર્થોના સેવનથી રોગપ્રતિકાર શક્તિમાં જરૂર વધે છે.
• ગેરમાન્યતાઃ આલ્કોહોલનું સેવન કોરોના સામે રક્ષણમાં મદદરૂપ છે
હકીકતઃ આલ્કોહોલના સેવનથી વાઇરસ મરી જાય છે તેવી માન્યાતા ખોટી છે તેવું ‘હૂ’નું કહેવું છે.
• ગેરમાન્યતાઃ સેનેટાઇઝર સાબુ જેટલું ઉપયોગી છે
હકીકતઃ જો તમે ટ્રાવેલિંગ કરતા હોવ અને સાબુ કે પાણી મળે તેમ ન હોય ત્યારે જ સેનેટાઇઝર ઉપયોગી છે. સાબુ-પાણીથી હાથ ધોવા સલાહ ભર્યું છે. સેનેટાઇઝર કેમિકલથી બનેલા હોય છે. તે વાઇરસને મારી નાખે છે, પરંતુ કેમિકલ તમારી હથેળીમાં ચોંટેલું રહે છે. સેનેટાઇઝરનો ઉપયોગ કર્યો હોય તો પણ ઘરે આવ્યા પછી સાબુથી હાથ-મોં ધોવા.
• ગેરમાન્યતાઃ તડકો-ગરમ પાણી પીવાથી રક્ષણ મળે છે
હકીકતઃ બે-ત્રણ કલાક તડકામાં રહેવાથી વાઇરસ સામે રક્ષણ મળતું હોવાના કોઇ વૈજ્ઞાનિક પુરાવા નથી. આ ઉપરાંત ગરમ પાણીના કોગળા કરવાથી પણ રક્ષણ મળતું હોવાના કોઇ વૈજ્ઞાનિક પુરાવા નથી. કેટલાક લોકો એવું માને છે કે ઉકાળેલું પાણી ઠંડું કરીને પીવાથી કોરોના વાઇરસ સામે રક્ષણ મળી શકે છે. આ બાબતે પણ કોઇ સમર્થન મળતું નથી.
• ગેરમાન્યતાઃ કોઇ પાર્સલને સ્પર્શથી કોરોના થાય છે
હકીકતઃ ‘હૂ’ના મતે આ વાત સાચી નથી. ચેપગ્રસ્ત વ્યક્તિ પાર્સલને અડી હોય તો પણ પાર્સલથી વાઇરસ ટ્રાન્સમિટ થવાની શક્યતા ઓછી છે કારણ કે કોરોનાના વાઇરસનો ચેપ માણસમાંથી માણસમાં ફેલાતો હોય છે. કોઇ વ્યક્તિ પાર્સલને અડી હોય અને આપણે તે પાર્સલને અડીએ તો ચેપની વાતને વૈજ્ઞાનિક સમર્થન નથી.
• ગેરમાન્યતાઃ માંસ અને પોલ્ટ્રી પ્રોડક્ટ્સ કેરિયર છે
હકીકતઃ કોરોના વાઇરસનો ચેપ માનવીમાંથી માનવીમાં ફેલાય છે. પ્રાણી કે પક્ષીમાંથી તેનો ચેપ આવતો નથી. નોનવેજ કે ઇંડાં ખાવાનું ટાળીએ તો કોરોનાથી રક્ષણ મળશે તેવું માનવું ખોટું છે કારણ કે, નોનવેજ કે ઇંડાંમાંથી ચેપ ફેલાતો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કહેવા મુજબ પ્રાણી,પક્ષી કે ઇંડા કોરોના વાઇરસના કેરિયર નથી. પરંતુ હા, શાકાહારી ભોજન સ્વાસ્થ્ય માટે વધુ સારું છે એ જગજાહેર હકીકત છે.