ન્યૂ યોર્ક: કોરોના વાઇરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. લાખો લોકો મોતના મુખમાં હોમાઇ ગયા છે. આ વાઇરસ કઇ રીતે તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં પ્રવેશીને તેનો પંજો ફેલાવે છે અને આખરે કઇ રીતે દર્દીની જિંદગી ભરખી જાય છે અને તે દરમિયાન કેવા કેવા પ્રાથમિક લક્ષણો જોવા મળે છે? વાંચો આગળ...
કોરોના વાઇરસનું સંક્રમણ ધરાવતો દર્દી ખાંસી કે છીંકવાથી હવામાં જે સુક્ષ્મ બુંદો ફેલાય છે તે આસપાસમાં રહેલી વ્યક્તિના નાક, મોં અને આંખોના માધ્યમથી ફેફસામાં પહોંચી શકે છે. આ સુક્ષ્મ બુંદોમાં રહેલા વાઇરસના કણ નાક માર્ગ દ્વારા આગળ વધીને ગળાની કોશિકાઓને નબળી બનાવે છે.
ગળામાં પહોંચ્યા બાદ વાઇરસનું પ્રમાણ ખૂબ વધી જાય છે. કોરોના વાઇરસના કણ વધવાની સાથે જ ગળામાં ખરાશ અને સૂકી ખાંસી શરૂ થાય છે.
કોરોના વાઇરસના કણ બ્રોન્કિયલ ટયૂબ એટલે કે શ્વાસની નળીઓની કામગીરી ધીમી કરી નાખે છે જયારે વાઇરસ ફેફસામાં પહોંચે છે ત્યારે તેની સુક્ષ્મ નળીઓમાં સોજો આવે છે આથી એલ્વિયોલી કે ફેફસાની થેલી ડેમેજ થઇ શકે છે. આ સાથે જ તે ફેફસામાંથી લોહીને મળતો ઓક્સિજનનો પૂરવઠો વધારવામાં અને કાર્બન ડાયોકસાઇડને ઘટાડવામાં અવરોધ પેદા કરે છે.
ફેફસાનો સોજો વધવાથી અને ઓક્સિજનનો પ્રવાહ અવરોધાવાથી ફેફસામાં મૃત કોશિકાઓ વધી જાય છે. આથી કેટલાકને શ્વાસ લેવામાં એટલી તકલીફ પડે છે કે તેમને વેન્ટિલેટર પર રાખવા પડે છે. સૌથી ખરાબ સ્થિતિ તો એકયૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિંડ્રોમને ગણવામાં આવે છે, જેમાં ફેફસામાં એટલું બધું પાણી ભરાઇ જાય છે કે શ્વાસ પણ લઇ શકતો નથી.
કોરોના વાઇરસના સંક્રમણના સામાન્ય લક્ષણોમાં તાવ, ખાંસી, નાકમાંથી પાણી વહેવું વગેરે જોવા મળે છે. આથી સાદા ફલુના લક્ષણો ધરાવતા લોકો પણ ટેન્શનમાં આવી જાય છે.
ડોકટર્સનું માનવું છે કે ફલુના લક્ષણો બે કે ત્રણ દિવસ જ રહે છે અને મટી જાય છે જયારે કોરોનાના લક્ષણો ગંભીર થતા જાય છે અને ગળામાં તેજ ખરાશ, બળતરા અને કંઇક ખુંચતું હોય તેવો અનુભવ થાય છે. કોરોનામાં ગળામાં દુખાવાનું કારણ એવા વાઇરસ નાક અને ગળામાં મલ્ટીપ્લાય થતા હોય છે. આ સંજોગોમાં ડોકટર્સનો સંપર્ક કરવો આવશ્યક છે.