લંડન: કોરોના વાઇરસના સ્વરૂપમાં ૨૩ નવા પરિવર્તનો જોવા મળ્યા છે. સંશોધકોએ નવા સ્વરૂપના જિનેટિક કોડમાં ૨૩ ફેરફારો શોધી કાઢ્યા છે. એટલું જ નહીં, આ નવા સ્વરૂપના સાત લક્ષણોની પણ ઓળખ કરી લેવામાં આવી છે. વાઇરસમાં ૨૩માંથી ૧૭ ફેરફારો ગંભીર ગણાવાયા છે.
બ્રિટન સહિતના દેશોમાં કોરોનાના નવા સ્વરૂપની ઓળખ થયા પછી દુનિયાભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એ દરમિયાન સંશોધકોએ ન્યૂ સ્ટ્રેઈનના જિનેટિક કોડમાં ૨૩ પરિવર્તનો નોંધ્યા છે. ૨૩માંથી ૬ જિનેટિક કોડના ફેરફારો સાધારણ કક્ષાના છે, પરંતુ તે સિવાયના ૧૭ સ્વરૂપો અસરકારક હોવાથી તેના ગંભીર પરિણામો આવી શકે છે એવી ચેતવણી નિષ્ણાતોએ આપી હતી.
સંશોધકોએ વિગતવાર ડેટાનો અભ્યાસ કરીને એવું પણ શોધી કાઢ્યું છે કે કોરોનાના સ્વરૂપમાં સૌથી પહેલો ફેરફાર સપ્ટેમ્બરમાં જ બ્રિટનના કેન્ટ પ્રાંતમાં નોંધાયો હતો. બીજું સ્વરૂપ સાઉથ આફ્રિકામાં નોંધાયું હતું. નવેમ્બરમાં કોરોના સંક્રમણ વધ્યું તે વખતે વધારે તપાસ કરતાં પ્રથમ વખત સ્વરૂપમાં બદલાવ થયાનું જણાયું હતું. તે પછી બાકીના સ્વરૂપો ડિસેમ્બરમાં જોવા મળ્યા હતા.
સંશોધકોએ નવા સ્વરૂપના ૭ લક્ષણો પણ ઓળખી કાઢ્યા છે. જેમાં મોટા ભાગે તો કોરોનામાં જ જોવા મળતાં લક્ષણો છે. તાવ, ઉધરસ, થાક, માથાનો દુઃખાવો, ઝાડા, મસલ્સમાં દુઃખાવો અને ચામડી પર ચકામા પડી જાય તો નવા સ્વરૂપનો કોરોના હોઈ શકે છે.
બ્રિટન સહિત દુનિયાભરના સંશોધકો કોરોના વાઇરસના નવા સ્વરૂપનો તોડ મેળવવાની મથામણમાં પડયા છે. ઘણાં વિજ્ઞાનીઓએ કોરોના વાઇરસ વારંવાર સ્વરૂપો ન બદલે તે માટેના પ્રયાસોની દિશા પણ શોધખોળ શરૂ કરી છે.
કોરોનાના નવા સ્ટ્રેન સાથે સંકળાયેલા સવાલ અને જવાબ
• નવા સ્ટ્રેનની કઇ બાબતો ચિંતાજનક છે?
બ્રિટન અને અમેરિકાના નિષ્ણાતોના મતે નવો સ્ટ્રેન અન્યની તુલનામાં વધુ સરળતાથી સંક્રમણ ફેલાવે છે. જોકે, અગાઉના સ્ટ્રેન કરતાં તે વધુ ઘાતક છે એવા કોઈ પુરાવા મળ્યા નથી. બ્રિટિશ સરકારના ચીફ સાયન્ટિફિક એડવાઈઝર પેડ્રિક વેલાન્સે જણાવ્યું હતું કે, આ સ્ટ્રેન ઝડપથી ફેલાય છે. તે ડિસેમ્બર સુધીમાં લંડનમાં ૬૦ ટકા લોકોને સંક્રમિત કરી શકે. નવા સ્ટ્રેન્સમાં ઘણા મ્યુટેશન્સ હોવાથી પણ ચિંતા વધી છે.
• નવા સ્ટ્રેન્સ કેવી રીતે ઉદ્ભવે છે?
વાઇરસના જિનેટિક માળખામાં સમયાંતરે સતત નાના ફેરફાર થતા રહ્યા છે. આવા સ્ટ્રેન્સ તેની સપાટી પરના પ્રોટિન્સમાં ફેરફાર દ્વારા મ્યુટેશન્સ દર્શાવે તે વધુ ચિંતાનો વિષય છે કારણ કે આવા સ્ટ્રેન્સ દવા કે ઈમ્યુન સિસ્ટમમાંથી છટકી જાય છે. યુએસના ફ્રેડ હચિસન કેન્સર રિસર્ચ સેન્ટરના બાયોલોજિસ્ટ અને જિનેટિક્સ નિષ્ણાત ટ્રેવર બેડફર્ડે જણાવ્યું હતું કે, પ્રારંભિક પુરાવા દર્શાવે છે કે, કોરોના વાઇરસના નવા સ્ટ્રેન્સે ઘણા મ્યુટેશન્સ દર્શાવ્યા છે. કેટલાક વેરિયન્ટ્સે એન્ટિબોડી ટ્રીટમેન્ટ સામે રેઝિસ્ટન્ટ દર્શાવ્યું છે.
• શું અન્ય કાચા સ્ટ્રેન્સ શોધાયા છે?
એપ્રિલમાં સ્વિડનના રિસર્ચર્સે બે જિનેટિક ફેરફાર સાથેનો વાઈરસ શોધ્યો હતો, જે બે ગણો વધુ ચેપી હતો. વિશ્વભરમાં આ વાઇરસના ૬૦૦૦ કેસ નોંધાયા છે. જેમાં મોટા ભાગના ડેન્માર્ક અને ઈંગ્લેન્ડમાં છે. એ સ્ટ્રેનની ઘણી વિવિધતા હવે દેખાઈ રહી છે. સાઉથ આફ્રિકા અને બ્રિટનના વાઇરસમાં પણ આવા બે જિનેટિક ફેરફાર સાથેના સ્ટ્રેન્સ મળ્યા છે.
• કોવિડ-૧૯ના જૂના સ્ટ્રેનથી સંક્રમિત વ્યક્તિને નવા સ્ટ્રેનથી ચેપ લાગી શકે?
યુએસના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર સ્કોટ ગોટલિબ કહે છે કે કદાચ ના... એક વાર જૂના સ્ટ્રેનથી સંક્રમિત વ્યક્તિને નવા સ્ટ્રેન દ્વારા સંક્રમણની શક્યતા નહીંવત્ છે.
• નવા સ્ટ્રેન પર વેક્સિનની અસર થશે?
અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડન્ટ જો બાઇડેનના સર્જન-જનરલ (નોમિની) વિવેક મૂર્તિનું કહેવું છે કે, એવું માનવાને કોઈ કારણ નથી કે નવા વાઈરસ પર વેક્સિનની અસર નહીં થાય. અમેરિકન સરકારના ચીફ સાયન્સ એડવાઈઝર ડો. મોન્સેફ સ્લાઉઈએ જણાવ્યું હતું કે, નવા સ્ટ્રેન્સ વર્તમાન વેક્સિન્સ સામે રેઝિસ્ટન્ટ હોવાની શક્યતા ઓછી છે.