લંડનઃ કોરોના વાઈરસ મહામારીમાં વૃદ્ધોના મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના નવા અભ્યાસ અનુસાર વૃદ્ધ લોકોનાં ફેફસામાં ટિસ્યુઝ વધુ ‘કડક -બરડ’ હોવાથી વાઈરસ સરળતાથી તેમાં પ્રવેશી અત્યાધિક વધતા જાય છે અને ઝડપથી સમગ્ર શરીરમાં ફેલાઈ જીવલેણ બને છે.
મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સંશોધન મુજબ વૃદ્ધોની ઈમ્યુન સિસ્ટમ્સ નબળી પડવાના કારણે આમ થતું હોવાની શંકા સંપૂર્ણ સાચી નથી. માનવીઓ પર SARS-COV-2 નામે નવા કોરોના વાઈરસ સ્ટ્રેઈનનો હુમલો સૌપ્રથમ શ્વાસનળીમાં મ્યુકસ-લિન્ટ પેદા કરતાં મ્યુકોસલ સેલ્સ-કોષો પર થાય છે ત્યારે પોતાની સંખ્યા હજારગણી વધારવા માટે કોષોની મશીનરીનું હાઈજેકિંગ કરે છે. બીજી તરફ, કફ-ખાંસી અથવા છીંકના ડ્રોપલેટ્સ દ્વારા અન્ય કોષો પણ સંક્રમિત થાય છે. વૃદ્ધોમાં ફેફસાં અને શ્વાસનળીના કોષો પ્રોટિન ફાઈબર્સના વિશાળ જથ્થાના કારણે વધુ સખત કે બરડ હોવાંથી કોરોના વાઈરસ સરળતાથી પોતાની સંખ્યા અનેકગણી વધારી શકે છે.
સંશોધકોનું કહેવું છે કે આ બાબત વાઈરસ વિરુદ્ધ લડવા વેક્સિન અને દવાઓના વિકાસના સંશોધનમાં લાગેલા વિજ્ઞાનીઓ માટે મહત્ત્વની બની શકે છે. વાઈરસને શરૂઆતથી જ કોષમાં અટકાવતા રોકી શકાય કે કેમ તેવી તપાસ કેટલીક દવાઓ દ્વારા થઈ રહી છે.
સંશોધનમાં SARS-COV-2 વાઈરસ જ મહત્ત્વનો નથી પરંતુ, યુવાન અને વૃદ્ધ લોકોનાં કોષોમાં તેની વર્તણૂંક કેવી છે તે તપાસવું પણ મહત્ત્વ ધરાવે છે. દવાઓના સંશોધનમાં કોરોના વાઈરસના ઉત્તરોત્તર વધવાને અટકાવવા અને કોષોનાં મિકેનિકલ લક્ષણો સાથે કામ પાર પાડી શકે તેવા ઈન્હિબિટર્સ શોધવાનો પણ સમાવેશ થાય છે તેમ સંશોધકોની ટીમનું કહેવું છે.