લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીના ટેકા સાથે કોરોના વાઈરસ વેક્સીનનું સંશોધન કરી રહેલી ટીમના વડા પ્રોફેસર સારાહ ગિલ્બર્ટે દાવો કર્યો છે કે આ રસી લાંબો સમય લોકોને સુરક્ષા આપશે. બીજી તરફ, યુએસના નિષ્ણાતોનું કહેવું છે કે તેમની રસી સાજા થયેલાં પેશન્ટ્સની સરખામણીએ એન્ટિબોડીઝનું લેવલ ત્રણ ગણા વધુ ઊંચે લઈ જશે. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા ફર્મ દ્વારા તૈયાર કરાયેલી ડ્રગની ટ્રાયલમાં ૮,૦૦૦ બ્રિટિશરો ભાગ લઈ રહ્યા છે.
વિશ્વના કોરોના વેક્સીન પ્રોજેક્ટ્સમાં મોખરે રહેલા ઓક્સફર્ડ પ્રોજેક્ટના વડા પ્રોફેસર સારાહ ગિલ્બર્ટે સાંસદોની કોમન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી કમિટી સમક્ષ આશા વ્યક્ત કરી હતી કે કોવિડ-૧૯ વેક્સીનથી લાંબા સમય સુધી ઈમ્યુનિટી મળશે. ઓછાં જોખમી અને સામાન્ય શરદી લાવતા કોરોના વાઈરસના અન્ય પ્રકારો સામેની રસી પરીક્ષણોમાં ઘણી સફળ નીવડી હતી પરંતુ, એકાદ વર્ષમાં જ ચેપ ફરી લાગતો હતો. જોકે, પ્રોફેસર સારાહ ગિલ્બર્ટે કમિટીને જણાવ્યું હતું કે વ્યક્તિઓ વાઈરસથી સાજા થઈ જાય ત્યારે જે કુદરતી ઈમ્યુનિટી મળતી હોય તેની સરખામણીએ વેક્સીનથી વધુ સારાં પરિણામો મળવાની આશા રહે છે. આ સતત પરીક્ષણો અને અનુસરણની પ્રક્રિયા છે. વાસ્તવિક ડેટા સિવાય કશું જાણી શકાય નહિ પરંતુ, અગાઉના અભ્યાસોના આધારે આશા રખાય કે કેટલાક વર્ષોસુધી તેનાથી સારી ઈમ્યુનિટી મળશે.
વેક્સીન વિના જ શિયાળો આવી જશે તેવી સંભાવના અંગે પ્રોફેસર ગિલ્બર્ટે કહ્યું હતું કે આ સમયમર્યાદાને સુધારી લેવાશે અને તે પહેલા અમે મદદે આવી પહોંચીશું. આ પરીક્ષણોમાં મહત્ત્વનો પ્રશ્ન એ જ છે કે વેક્સીન લોકોને ચેપ લાગવાતી સુરક્ષિત બનાવશે કે તેમને ઓછાં બીમાર બનાવશે. એમ પણ જણાય છે કે રસી વૃદ્ધ લોકોમાં ઓછું કામ કરશે કારણકે તેમની ઈમ્યુન સિસ્ટમ્સ નબળી હોય છે. યુકેના વેક્સીન ટાસ્કફોર્સના વડા કેટ બિન્ઘામે સાંસદોને જણાવ્યું હતું કે રસીથી ઈન્ફેક્શન લાગવા સામે રક્ષણ મળવા બાબતે તેઓને ખાસ આશા નથી અને લક્ષણોની તીવ્રતા ઓછી થવાની વધુ શક્યતા છે.
ફાર્માસ્યુટિકલ ફર્મ એસ્ટ્રાઝેનેકા દ્વારા ઉત્પાદિત ઓક્સફર્ડ રસીની ટ્રાયલમાં આશરે ૮,૦૦૦ બ્રિટિશર ભાગ લઈ રહ્યા છે. જોકે, દેશમાં કોરોના સંક્રમણ કેસ ઘટી રહ્યા છે ત્યારે સંશોધકો બ્રાઝિલમાં ૪,૦૦૦ અને સાઉથ આફ્રિકામાં ૨,૦૦૦ વ્યક્તિને રસી આપવાનું લક્ષ્ય ધરાવે છે. ફાઈઝર ઈન્ક. અને તેના જર્મન પાર્ટનર BioNTech દ્વારા પરીક્ષણ હેઠળની પ્રાયોગિક કોરોના વાઈરસ રસીથી ન્યૂટ્રલાઈઝિંગ એન્ટિબોડીઝ પેદા થાય છે તે સાજા થયેલા પેશન્ટ્સમાં જણાયેલા એન્ટિબોડીઝ કરતાં ૧.૮થી ૨.૮ ગણાની વચ્ચે જણાયા હતા. આ વેક્સિન જો વ્યક્તિ સંક્રમિત થાય તો કોરોના વાઈરસને ઓળખી તેના પર હુમલો કરવા પેથોજેનના જિનેટિક કોડના અંશનો ઉપયોગ કરવા શરીરને તૈયાર કરે છે. આ ટ્રાયલમાં ૪૫ લોકોનો ત્રણ જૂથમાં ઉપયોગ કરાયો હતો અને તેના પ્રોત્સાહક પરિણામો સાંપડ્યાં છે.