લંડનઃ વિશ્વમાં સંક્રમણ ફેલાવનાર આ નોવેલ કોરોના વાઈરસમાં જૈવિક વિવિધતા જોવા મળી છે. યુનિવર્સિટી કોલેજ લંડનના વૈજ્ઞાનિકોના સંશોધનમાં જણાયું છે કે કોરોનાવાઈરસ હવે લોકસમૂહ પ્રમાણે પોતાને ઢાળી કે અનુકૂળ બનાવી રહ્યો છે. વિશ્વમાં સંક્રમિત ૭,૫૦૦થી વધુ લોકોમાં કોરોના વાઈરસના જિનોમનું સંશોધન કર્યા પછી વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે તે અત્યાર સુધી ૨૦૦ વખત મ્યૂટેટ થઈ ચૂક્યો છે. તેમાં થતાં ફેરફારો આપણી ધારણાથી પણ આગળ છે.
બ્રિટિશ સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસનો ફેલાવો ચીનમાં ૬ ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૧૯ની વચ્ચે શરૂ થયો હતો. આ વાઈરસ ધીમે ધીમે પોતાને બદલતો રહ્યો હોવાથી દુનિયાભરમાં તેના અલગ અલગ સ્વરુપ કે પ્રકાર જોવા મળ્યા છે. સંક્રમણ અત્યંત ઘાતક સાબિત થયું છે. દરેક વાઈરસ મ્યૂટેટ થાય છે પરંતુ કોરોનાવાઈરસમાં જે ઝડપથી ફેરફાર થઈ રહ્યો છે તે આપણી ધારણાથી પણ વિપરીત હતો. સંક્રમિત લોકોમાં વાઈરસના જિનોમ સિક્વન્સની તપાસ પછી બાદ જાણવા મળ્યું છે કે તમામ વાઈરસના પૂર્વજ એક જ છે. આ જાણકારીની મદદથી કોરોનાની વેક્સિન બનાવવામાં અને સારવાર કરવામાં થોડી સરળતા રહેશે.
ગ્લાસગો યુનિવર્સિટીના એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, કોરોનાના બે પ્રકાર (સ્ટ્રેઈન)થી સંક્રમણ ફેલાયું છે જેમાં એક અત્યંત ઘાતક હતું. તે સૌથી ઝડપથી ફેલાઈ રહ્યું હતું. ઘણા દેશોમાં સંક્રમણના સત્તાવાર કેસ ભલે જાન્યુઆરીમાં જોવા મળ્યા હોય પરંતુ, વાઈરસ ડિસેમ્બરમાં ઝડપથી ફેલાઈ રહ્યો હતો. ફ્રાન્સના વૈજ્ઞાનિકોના દાવા મુજબ ફ્રાન્સમાં ૨૭ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી સંખ્યાબંધ સત્તાવાર કેસીસ બહાર આવ્યા હતા.