ન્યૂ યોર્કઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના એક અહેવાલ અનુસાર આવતા વર્ષ સુધીમાં વિશ્વમાં ૨૦૦ કરોડ સિરિંજની ઘટ પડી શકે છે. વિશ્વભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને કારણે મોટા પાયે સિરિંજનો ઉપયોગ થઈ રહ્યો હોવાથી ઘટ પડવાની આશંકા છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં ૭૨૫ કરોડથી વધુ વેક્સિન ડોઝ અપાઈ ચૂક્યા છે. તેમાં સિંગલ-ડબલ અને બૂસ્ટર ડોઝનો સમાવેશ થાય છે. વેક્સિનની આ સંખ્યા સામાન્યપણે સમગ્ર વર્ષ દરમિયાન લાગતી વેક્સિનની સંખ્યા કરતાં બમણી છે. દરેક ડોઝ પાછળ અલગ અલગ સિરિંજનો ઉપયોગ થાય છે. તેથી સિરિંજનો વપરાશ પણ બમણો થઈ ગયો છે.
સપ્લાય ચેઇન તૂટશે
‘હૂ’ના અહેવાલમાં આ ઘટ પૂરી કરવા સિરિંજ ઉત્પાદનમાં વધારો કરવાનું સૂચવવામાં આવ્યું છે. અહેવાલમાં આશંકા વ્યક્ત થઇ છે કે સિરિંજની અછત સર્જાતા સંગ્રહખોરી વધી શકે છે. સપ્લાય ઘટતાં વૈશ્વિક સ્તરે ‘પેનિક’ સર્જાઈ શકે છે. વેક્સિન અને સિરિંજ એમ બંનેના ઉત્પાદન સ્થળ અને વપરાશની જગ્યા વચ્ચેનું લાંબું અંતર આ ‘પેનિક’ સર્જી શકે છે.