ન્યૂ યોર્ક: કોરોના સંક્રમણનો પ્રભાવ બે વર્ષ સુધી વર્તાતો રહેશે અને વિશ્વની બે તૃતિયાંશ વસતીનું રસીકરણ નહીં થાય ત્યાં સુધી સંક્રમણ નિયંત્રણમાં આવવાની શક્યતા નથી. નિષ્ણાતોના જૂથે એક અહેવાલમાં આ બાબત જણાવી છે. જે વ્યક્તિ બીમાર ના દેખાતી હોય તેવી વ્યક્તિમાંથી સંક્રમણ આગળ ફેલાતું હોવાથી ઇનફ્લૂએન્ઝાને મુકાબલે આ વાઇરસને અંકુશમાં લેવો મુશ્કેલ છે.
યુનિવર્સિટી ઓફ મિનેસોટાના સેન્ટર ફોર ઇન્ફેક્શિયસ ડિસીઝ રિસર્ચ એન્ડ પોલિસી દ્વારા તૈયાર થયેલા અહેવાલમાં જાણકારી અપાઇ છે. અહેવાલમાં કહેવાયું છે કે લક્ષણો જોવા મળે તે પહેલાં જ લોકો અતિ સંક્રમિત સ્થિતિને આંબી ગયેલા હોય છે. વિશ્વની બે તૃતિયાંશ વસતીનું રસીકરણ નહીં થાય અર્થાત્ બે તૃતિયાંશ વસતીની રોગપ્રતિકાર શક્તિ નહીં વિકસે ત્યાં સુધી સંક્રમણનો ભય રહેશે. લોકોને લોકડાઉનમાંથી બહાર લાવવા સરકારો તબક્કાવાર પગલાં લઇ રહી છે. સંક્રમણના મોજા ૨૦૨૨ કે તેથી પણ લાંબી મુદત માટે આવતા રહેશે. અહેવાલમાં જણાવાયું છે કે સરકારોએ લોકોને તે સંદેશો આપવો જોઇએ કે સંક્રમણ મહામારીનો ટૂંક સમયમાં અંત નહીં આવે. હજુ બે વર્ષ સુધી ઝઝૂમવા સજ્જ થવું પડશે.