લંડનઃ બ્રિટિશ વિજ્ઞાનીઓએ કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવતી અને સંક્રમિત દર્દીઓને તત્કાળ ઇમ્યૂનિટી (રોગપ્રતિકારશક્તિ) આપતી નવી એન્ટિબોડી થેરાપી શોધ્યાનો દાવો કર્યો છે. યુનિવર્સિટી કોલેજ લંડન હોસ્પિટલ (UCLH) NHS ના વિજ્ઞાનીઓ દ્વારા નવી ‘સ્ટોર્મ ચેઝર - Storm Chaser’ ટ્રાયલના ભાગરુપે મેડિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓ સહિત ૧૦ લોકોને આ દવા અપાઈ છે અને વિશ્વભરમાં ૧,૧૨૫ વ્યક્તિ પર આ દવાના પ્રયોગ હાથ ધરવાની તૈયારી થઈ છે. નવી ડ્રગ વ્યક્તિને કોરોના વાઇરસ સામે ૬ મહિનાથી એક વર્ષ સુધી રક્ષણ આપશે તેમ સંશોધકો માની રહ્યા છે.
અત્યારે NHSમાં આ થેરાપીની ટ્રાયલ ચાલી રહી છે. દરેક વ્યક્તિને દવાના બે ડોઝ અપાયા છે. આ નવી દવા કોરોના વેક્સિન લેવામાં વિલંબ થયો હશે તો પણ દર્દીઓને લાંબાગાળા સુધી અને તાત્કાલિક કોરોના વાઇરસ સામે રોગ પ્રતિકારક શક્તિ આપશે. આ નવી ડ્રગના કારણે હજારો જીવન બચાવી શકવાની આશા સર્જાઈ છે. કોરોના સંક્રમિત દર્દીની સાથે રહેતા અથવા ચેપનું જોખમ ધરાવતા લોકોને કોરોના વાઈરસ વેક્સિન અપાયું ન હોય ત્યારે પણ તેમને સંક્રમણથી બચાવવા આ ડ્રગનું ઈન્જેક્શન આપી શકાય છે. આ નવી એન્ટિબોડી થેરાપી હોસ્પિટલમાં દાખલ કરાયેલા કોરોના સંક્રમિતો, કેર હોમ્સમાં રહેતા સિનિયર સિટિઝન્સ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આપીને કોરોના વાઇરસનો પ્રસાર અટકાવી શકાશે.
UCLHના નવા વેક્સિન રિસર્ચ સેન્ટરમાં સંશોધકો દ્વારા તૈયાર કરાયેલી નવી ડ્રગની ક્લિનિકલ ટ્રાયલ બીજી ડિસેમ્બરના રોજ ત્રીજા તબક્કામાં પહોંચી હતી. આ દવાની ટ્રાયલોમાં આરોગ્ય કર્મચારીઓ, હોસ્ટેલ અને એકસાથે રહેતા વિદ્યાર્થીઓ અને કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓને સામેલ કરાયા હતા.
સ્ટોર્મ ચેઝર ટ્રાયલનું નેતૃત્વ કરી રહેલા UCLH ના વાયરોલોજિસ્ટ ડો. કેથરાઈન હૌલિહાને જણાવ્યું હતું કે, ‘અમે જાણીએ છીએ કે આ નવી એન્ટિબોડી કોમ્બિનેશન કોરોનાના વાઇરસની અસરનો નાશ કરશે. અમને આશા છે કે ઈન્જેક્શન મારફત અપાનારી આ સારવાર સંક્રમણનું જોખમ ધરાવનારાને કોવિડ-૧૯ના સંક્રમણ સામે તત્કાળ રક્ષણ પહોંચાડી શકશે.’
UCLHના સંશોધકોએ પ્રોવેન્ટ (Provent) નામે બીજી ક્લિનિકલ ટ્રાયલ આરંભી છે જેમાં, વેક્સિનથી લાભ ન થઈ શકે તેવા લોકો પર એન્ટિબોડી થેરાપીનું પરીક્ષણ કરાશે. દરમિયાન, વૃદ્ધ લોકો અને લાંબા સમયથી સારસંભાળ હેઠળના લોકો તેમજ કેન્સર અને HIV જેવી બીમારી ધરાવનારા દર્દીઓની પણ પ્રોવેન્ટ ટ્રાયલ માટે ભરતી કરાઈ રહી છે. આ ટ્રાયલમાં જેમની ઈમ્યુન સિસ્ટમમાં ગરબડ હોય અથવા વય અને પ્રવર્તમાન બીમારીની સ્થિતિના કારણે કોવિડ -૧૯નું જોખમ વધારે રહેવાની શક્યતા ધરાવનારા લોકોનો પણ સમાવેશ થશે.
પ્રથમ ટ્રાયલમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળી વેક્સિન તૈયાર કરનારી ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રેઝેનેકા દ્વારા AZD7442 એન્ટિબોડીનો વિકાસ કરાયો હતો અને મેડિસીન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA)ની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.