બૈજિંગઃ સમસ્ત વિશ્વના દેશો કોરોના સામે લડી રહ્યા છે. વિશ્વમાં વસ્તીના આંકડાની રીતે જોઇએ તો બીજા નંબર પર હોવા છતા ભારતે કોરોના વાઇરસના ફેલાવાને જે રીતે રોક્યો છે, તેની દુનિયાભરમાં પ્રશંસા થઇ રહી છે.
આ બધા વચ્ચે હવે ચીનના ચેપી રોગના નિષ્ણાંતોનું કહેવું જણાવ્યું છે કે કોરોના વાઇરસ સામે લડવામાં ભારતીયો શારીરિક રૂપથી પુરતા સક્ષમ નથી, પરંતુ તેઓ માનસિક રીતે વધારે સક્ષમ છે. આથી જ ભારતીયો કોરોના સામેના જંગમાં જીત તરફ આગળ વધી રહ્યા છે.
ભારતસ્થિત ચીની દૂતાવાસ દ્વારા એક વીડિયો કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં ચીનના ચેપી રોગના નિષ્ણાંત ઝાંગ વેનહોંગે ભારતમાં રહેતા ચીની વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. વીડિયો કોન્ફરન્સને સંબોધતા ઝાંગ વેનહોંગે જણાવ્યું કે, મેં એક વખત ટીવી પર સમાચારમાં જોયું હતું કે એક ધાર્મિક મેળાવડામાં લોકોએ માસ્ક પહેર્યા નહોતા. તેનો અર્થ એ નથી કે કોરોના સામે ભારતીયો શારીરિક રીતે સક્ષમ છે, પરંતુ તેઓ માનસિક રીતે વધારે સક્ષમ છે.
ઉલ્લેખનીય છે કે ચીનની કોરોના વાઇરસ સામેની લડતમાં ઝાંગ વેનહોંગની ભુમિકા મહત્વની હતી. ઝાંગ વેનહોંગ શાંઘાઇની હુઆશાન હોસ્પિટલમાં ઇન્ફેક્શન વિભાગના ડાયરેક્ટર છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતીયો માનસિક શાંત પણ વધુ છે.
ભારતની ૯૦ ટકા વસ્તી સુરક્ષિત રહેશે
ભારતમાં કોરોના કેસની સંખ્યા જરૂર વધી રહી છે, પરંતુ અમેરિકાની સરખામણીમાં તે ઘણી ઓછી છે. તેમણે વિદ્યાર્થીઓને સમજાવતા કહ્યું કે ભારતમાં કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા ભલે વધે, પરંતુ અમેરિકાની સરખામણીમાં ભારતની વસ્તી પણ ઘણી વિશાળ છે. ભારતમાં ઇન્ફેક્શન રેટ ૧૦ ટકાથી વધશે નહીં, ભારતની ૯૦ ટકા વસતી સુરક્ષિત રહેશે માટે ડરવાની કોઇ જરૂર નથી.