જિનિવા: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ફરી એક વાર કોરોના સંક્રમણ અંગે ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે, દુનિયામાં હવે ૨૦થી ૪૦ વર્ષની ઉંમરના લોકોમાં ફેલાઈ રહ્યો છે. સંસ્થાના પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રના ડિરેકટર તાકેશી કસઈએ જણાવ્યું હતું કે, ૨૦થી ૪૦ વર્ષની ઉંમરના કેટલાક લોકોને ખબર પણ નથી કે તેઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યાં કોરોના પહેલાં કાબૂમાં આવી ગયો હતો તેવા કેટલાક દેશમાં તેનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અનેક દેશોમાં ફરી લોકડાઉન લગાવાઈ રહ્યું છે. એશિયા પેસિફિક રિજિયનમાં મહામારી બીજા સ્ટેજમાં પહોંચી ગઈ છે.
દરેક દેશ પોતાની જાતે બચાવ શોધે
દરેક દેશોએ કોરોના વેક્સિનની રાહ જોયા વિના કોરોનાથી બચવા અને તેનું સંક્રમણ ઘટાડવા પોતાની રીતે તૈયારીઓ કરવી જોઈએ તેમજ જરૂરી પગલાં લેવાં જોઈએ તેમ તાકેશીએ કહ્યું હતું. કોરોના સામે લડવા વધુમાં વધુ પગલાં લેવાં જોઈએ. વેક્સિન માર્કેટમાં આવે તો પણ તેનો પુરવઠો ઓછો હશે જ્યારે માગ ઘણી વધારે હશે. આથી તમામને તે એક સાથે મળે તેવી શક્યતા ઓછી છે. જ્યાં સુધી તમામ દેશો રક્ષણનાં પગલાં નહીં લે ત્યાં સુધી કોઈ દેશ સલામત નથી.