નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે વિશ્વના ઘણા દેશોમાં સરેરાશ આયુષ્યમાં ઘટાડો નોંધાયો છે. એક અંદાજ પ્રમાણે કોરોના મહામારીના કારણે ૩૧ દેશોમાં ૨૮ મિલિયન વર્ષ જિંદગી છીનવાઇ ગઇ છે.
અલબત્ત, તાઇવાન અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો કોરોના મહામારી પર નિયંત્રણ મેળવવામાં ઘણા સફળ રહ્યા હતા અને આ દેશોમાં સરેરાશ આયુષ્યમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. લોકોનું સરેરાશ જીવન કેટલું હશે તેનો એક માપદંડ લાઇફ એક્સપેક્ટેન્સી છે. દરેક આયુવર્ગમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં મોટો બદલાવ ન આવે ત્યારે આ માપદંડ ધ્યાનમાં લેવાય છે. જર્નલ બીએમજે દ્વારા ૩૭ દેશોમાં હાથ ધરાયેલો અભ્યાસ દર્શાવે છે કે કોરોના મહામારીના કારણે મોટાભાગના દેશોમાં મોટી સંખ્યામાં લોકોનાં મોત થયાં હતાં અને વર્ષ ૨૦૨૦માં ૩૧ દેશમાં ૨૮ મિલિયન વર્ષ કરતાં પણ વધુ જિંદગી છીનવાઇ ગઇ હતી.
આટલા વર્ષ જિંદગી કેવી રીતે છીનવાઈ?
વિશ્વમાં કોરોના મહામારીમાં ૫૦.૭૪ લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. વિશ્વના ૩૧ દેશમાં કોરોનાના કારણે થયેલા મોતની સાથે સરેરાશ આયુષ્યમાં ઘટાડાને ગુણવામાં આવે તો ૨૮ મિલિયન વર્ષ કરતાં વધુ જિંદગી છીનવાઇ છે.
૪ દેશમાં આયુષ્યમાં વધારો
કોરોના મહામારી દરમિયાન વર્ષ ૨૦૨૦માં ન્યૂઝીલેન્ડ સહિત ફક્ત ૪ દેશમાં સરેરાશ આયુષ્યમાં વધારો નોંધાયો છે. આ દેશમાં ન્યૂઝીલેન્ડ ઉપરાંત તાઇવાન, સાઉથ કોરિયા અને નોર્વેનો સમાવેશ થાય છે. આ દેશોમાં સરેરાશ આયુષ્યમાં એક વર્ષ સુધીનો વધારો જોવા મળ્યો છે.