લંડનઃ કોરોનાને કારણે છેલ્લા બે વર્ષમાં ભારત જ નહીં દુનિયાભરના નાગરિકોના ખાણી-પીણીના ટ્રેન્ડમાં બદલાવ આવ્યો છે. લોકોને સ્વસ્થ્ય રહેવા તથા લાંબા આયુષ્ય માટે શાકાહારથી વધુ સારો કોઇ વિકલ્પ જણાયો નથી.
રિસર્ચ તથા ડેટા એનાલિસિસ ફર્મ યૂગોવના અભ્યાસ અનુસાર, 65 ભારતીયોએ વર્ષ 2022માં શાકાહારી ભોજનનો વિકલ્પ પસંદ કર્યા છે. આ અભ્યાસમાં અમેરિકા અને બ્રિટન બાદ ભારત ત્રીજા સ્થાાને કહ્યું છે. કારણ સ્પષ્ટ છે. શાકાહારી ભોજનમાં વધુ માત્રામાં ફાઇબર, એન્ટિ ઓક્સિડેન્ટ, પ્રોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, વિટામિન એ - સી અને ઇ ભરપૂર માત્રામાં મળે છે. જેથી આશરે ૧૨૦ પ્રકારની બીમારીમાં રક્ષણ મળે છે. એટલું જ નહીં ૮૧ ટકા ભારતીયોએ દિવસમાં ઓછામાં ઓછા એક વખતના ભોજનને નાસ્તામાં અથવા ફૂટ સ્નેક્સમાં બદલવાનો પ્રયાસ કર્યો છે.
અભ્યાસમાં જાણવા મળ્યું કે રાજસ્થાન દેશનું મોખરાનું શાકાહારી રાજ્ય છે. જ્યાં પહેલેથી જ આશરે ૭૪.૯ ટકા લોકો શાકાહારી છે. ત્યાર બાદ હરિયાણા, પંજાબ, ગુજરાત, (૬૦.૯ ટકા), મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ છે.
બીજી તરફ ફોબર્સના એક અભ્યાસ અનુસાર, દુનિયાના ૧૦ દેશમાં ઘણા લોકો માંસાહાર છોડીને શાકાહાર તરફ વળ્યાં છે. અમેરિકામાં છેલ્લા ૨ વર્ષમાં શાકાહારી લોકોમાં ૬૦૦ ટકાનો વધારો થયો છે. બ્રિટનમાં શાકાહારી ખોરાકની માગ ૧૦૦૦ ટકા વધી છે. પોલેન્ડમાં શાકાહારી રેસ્ટોરેન્ટની સંખ્યા છેલ્લા બે વર્ષમાં ૭૦૦થી વધી ૯૫૦ થઇ છે. કેનાડામાં ૪૦૦૦, થાઇલેન્ડમાં ૧૫૦૦, ઇઝરાયલમાં ૭૦૦ તો ઓસ્ટ્રેલિયામાં હાલ ૫૦૦૦ જેટલા શાકાહારી રેસ્ટોરન્ટ છે. જર્મની, સિંગાપુર, તાઇવાન જેવા દેશોમાં પણ લોકો ઝડપથી શાકાહારી બની રહ્યા છે. મુંબઇના જાણીતા મનોચિકિત્સક ડો. હરીશ શેટ્ટી કહે છે કે શાકાહાર કે માંસાહાર એ આખરે તો વ્યક્તિગત પસંદગી છે. શાકાહારી ભોજન પ્રકૃતિ સાથે જોડાયેલું છે. શાકભાજી, અનાજ, કઠોળ, આપણાં પાચન તંત્રને સારું રાખે છે. એનિમલ પ્રોટિન કે ફેટ બિનજરૂરી છે. તેને કારણે અનેક બીમારી થઇ શકે છે.