વોશિંગ્ટન: કોરોના વાઇરસ હાલ સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચુક્યો છે અને તેની સૌથી વધુ ખરાબ અસર અમેરિકામાં જોવા મળી રહ્યો છે. આ સંજોગો વચ્ચે કોરોના વાઇરસની શરીર પર થતી અસરને લઇને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. કોરોના વાઇરસ શરીરના કેટલાક અંગોને નિષ્ક્રિય કરી જ રહ્યો છે સાથે સાથે તે લોહીમાં પણ માઠી અસર પહોંચાડી રહ્યો હોવાનું બહાર આવ્યું છે.
નિષ્ણાતોએ અભ્યાસના આધારે તારવ્યું છે કે કોરોના વાઇરસ એટલો ખતરનાક છે કે જે વ્યક્તિને તેનો ચેપ લાગે છે તેના શરીરમાં લોહી ગંઠાઇ જાય છે, જેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ ખોરવાઇ જાય છે અને તેના લીધે અંગો કામ કરતા બંધ થઇ જાય છે. આવું કેમ થઇ રહ્યું છે તે હજુ રહસ્ય છે અને અમેરિકામાં તેના પર સંશોધન ચાલી રહ્યું છે.
અમેરિકાના અખબાર ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના રિપોર્ટ અનુસાર કોરોના વાઇરસને કારણે દર્દીના શરીરમાં બ્લડ ક્લોટિંગ એટલે કે લોહી ગંઠાઇ જવા લાગ્યું છે. અમેરિકાના દર્દીઓમાં આ ખતરો સૌથી વધુ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલા અમેરિકાના એટલાંટા પ્રાંતના એમોરી યુનિવર્સિટીની સ્વાસ્થ્ય સિસ્ટમ હેઠળ સારવાર લઇ રહેલા ૧૦ દર્દીઓના શરીરમાં કોરોના વાઇરસને કારણે લોહીના ગઠ્ઠા જામી ગયા હોવાનું જોવા મળ્યું હતું. સૌથી ખતરનાક બાબત છે કે ડોક્ટરોને એ નથી સમજાતું કે કોરોનાના દર્દીઓમાં લોહી કેમ જામી જાય છે.
એટલાંટાની ૧૦ મોટી હોસ્પિટલના આઇસીયુના હેડ ડોક્ટર ક્રેગ કૂપરસ્મિથે કહ્યું હતું કે આ મુદ્દો એક મોટી સમસ્યા બની ગયો છે. અમે જ્યારે અન્ય હોસ્પિટલોમાં તપાસ કરી તો ત્યાં પણ આવું જ સામે આવ્યું છે. કેટલાક હોસ્પિટલોમાં તો ૨૦ ટકા મોતનું કારણ લોહી ગંઠાઇ જવાનું હોવાનું ખૂલ્યું છે.
મોટી મુશ્કેલી એ છે કે આ પ્રકારે લોહી જામ થઇ જવા કે ગઠ્ઠા બની જતાં અટકાવવા અમારી પાસે કોઇ જ ઉકેલ જ નથી. આવું કેમ થઇ રહ્યું છે તેનું કારણ જ નથી જાણી શકાયું તેથી તેનો ઉપાય શોધવામાં પણ મુશ્કેલી આવી રહી છે. મહિના પહેલા જ્યારે કોરોના વાઇરસની મહામારી સામે આવી ત્યારે દર્દીઓના શરીરના અંગો જેવા કે ફેફસા, કીડની, લિવર, હાર્ટ, મગજ, આંતરડા વગેરેને સૌથી માઠી અસર થતી હોવાનું સામે આવ્યું હતું.
જોકે હવે આ વાઇરસ લોહી પર પણ અસર કરી રહ્યો છે અને તેને જામ કરીને બ્લડ ક્લોટિંગમાં ફેરવી નાખતો હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય રીતે લોહીને પાતળું કરવા માટે થિનર આપવામાં આવે છે પણ કોરોનાના દર્દીઓને થિનરની પણ કોઇ જ અસર નથી થઇ રહી. બ્લડ ક્લોટિંગમાં લોહી જેલ જેવું ઘાટુ થઇ જાય છે, અને ધીરે ધીરે તેના ગઠ્ઠા બની જાય છે. આનાથી હાર્ટ એટેક કે હાર્ટ ફેલ થવાના કેસો વધી રહ્યા છે.