લંડનઃ કોવિડ ૧૯ વાઈરસથી બચાવતા નોઝલ સ્પ્રેનું બ્રિટનમાં સફળ પરીક્ષણ કરાયું હતું અને સ્પ્રે ૯૫ ટકા સુધી અસરકારક હોવાનો દાવો પણ કરાયો છે. રાહતની બાબત એ પણ હતી કે બ્રિટનમાં કોરોનાનો જે નવો પ્રકાર ફેલાયો છે તેમાં પણ સ્પ્રે કારગત નીવડયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ નોઝલ સ્પ્રેના પ્રયોગો થઈ રહ્યાં છે. ભારતમાં નોઝલ સ્પ્રેનું સંશોધન ક્લિનિકલ ટ્રાયલના સ્તરે પહોંચ્યું છે.
બ્રિટન અને કેનેડાના સંશોધકોએ સંયુક્ત રીતે નોઝલ સ્પ્રેનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. એમાં સારી એવી સફળતા મળી રહી હોવાનો દાવો થયો છે. સંશોધકોએ કહ્યું હતું કે નોઝલ સ્પ્રેના પરીક્ષણમાં ૯૫ ટકા સુધી પરિણામ મળ્યું છે.
બ્રિટનની સેન્ટ પીટર હોસ્પિટલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને કેનેડાની બાયોટેક કંપની સેનઓટાઈઝના સંયુક્ત પ્રોજેક્ટમાં નોઝલ સ્પ્રેના સંશોધનો થયા હતા. નાઈટ્રિક ઓક્સાઈડ નોઝલ સ્પ્રેના પ્રયોગોમાં સંશોધકોને નોંધપાત્ર સફળતા મળી છે.
સંશોધકોએ ૭૯ લોકો પર બીજા તબક્કાનું પરીક્ષણ કર્યું હતું, જેમાં ૯૫ ટકા સુધી સ્પ્રે કારગત હોવાનું જણાયું હતું. કોરોના વાઈરસ સંક્રમિતોને નોઝલ સ્પ્રેથી દવા આપવામાં આવી હતી. એ પછીના ૨૪ કલાકમાં વાયરસ ૯૫ ટકા સુધી નબળો પડયો હોવાનું જણાયું હતું. વળી, વાયરસ નાક વાટે ન પ્રવેશે તે માટે પણ આ સ્પ્રે ખૂબ જ અસરકારક હોવાનો દાવો કરાયો હતો. સંશોધકો દ્વારા ૭૯ લોકો પર કરાયેલા પ્રયોગ ઉપરાંત, ૭,૦૦૦ જેટલા લોકોએ જાતે આ સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો અને તેમાંથી કોઈને આડઅસર થઈ ન હોવાનો દાવો પણ આ વિજ્ઞાનિકોએ કર્યો હતો
ડૉ. સ્ટીફન વિંચેસ્ટરે કહ્યું હતું કે કોરોના સામેની લડાઈમાં આ દવા ખૂબ જ અસરકારક સાબિત થવાની ઉજળી શક્યતા છે. નોઝલ સ્પ્રે લેવાનું પણ ખૂબ આસાન છે. તેનાથી કોરોના થતો અટકે છે અને થયા પછી નબળો પણ પડે છે. બંને રીતે આ સ્પ્રે લાંબાંગાળે ઉપયોગી થઈ પડશે.