વોશિંગ્ટન: કોરોના વાઇરસ મહામારીને પગલે વિશ્વભરમાં લાંબા સમય સુધી તેની આડઅસર જોવા મળશે. એક અભ્યાસ મુજબ દુનિયાભરના લોકોમાં, ખાસ કરીને નબળા લોકોમાં લાંબા સમય સુધી માનસિક તેમજ આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.
યેલ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા અમેરિકાના ન્યૂ ઓરલિઅન્સ સ્થિત ઓછી આવક ધરાવતી કેટલીક મહિલાઓનો અભ્યાસ હાથ ધરાયો હતો. આ મહિલાઓનો અગાઉ ૨૦૦૫માં પણ કેટરિના ચક્રવાત સમયે પણ અભ્યાસ કરાયો હતો અને ત્યારબાદ સમયાંતરે તેમની સાથે સંવાદ કરાતો હતો.
કેટરિના ચક્રવાત દરમિયાન આ મહિલાઓને આઘાતજનક અનુભવ થયો હતો અને આ મહિલાઓ પૈકીની મોટા ભાગની પ્રવર્તમાન સમયે કોરોના મહામારીમાં પણ તે પ્રકારની અનુભૂતિ કરી રહી છે. મહિલાઓ શોકમાં ગરકાવ થઇ ગયાનો તેમજ આરોગ્ય સેવાથી વંચિત અને દવાઓની અછત વગેરેનો અહેસાસ કરી રહી છે. પીએનએએસ જર્નલમાં પ્રસિદ્ધ અહેવાલમાં જણાવાયું છે કે, ચક્રવાતના એક, ચાર અને બાર વર્ષ બાદ મહિલાઓ જે અનુભવ કરી રહી છે તે ઘટના પછીનો તણાવ, માનસિક પીડા, સામાન્ય આરોગ્ય અને શારીરિક સમસ્યાને સંલગ્ન છે. વર્તમાન સમયમાં પણ આ પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા હોવાનું અભ્યાસમાં જણાવાયું છે.
મહામારીની અસર લાંબા ગાળા સુધી રહેવાની શક્યતા છે અને તેનાથી લોકોમાં શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યની સમસ્યા સર્જાવાની ભીતિ રહેલી છે તેમ યેલ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સહાયક પ્રાદ્યાપક સારાહ લોવેએ જણાવ્યું હતું. આની અસર અગાઉ ચક્રવાત કેટરિનામાં જવા મળી તેનાથી વધુ ઊંડી હોઈ શકે છે તેમ તેમણે વધુમાં કહ્યું હતું.
જોકે આ અભ્યાસમાં મહામારીથી ઉદભવેલી અન્ય સમસ્યાઓ જેમ કે આર્થિક નુકસાન, બેરોજગારી વગેરેનો સમાવેશ કરાયો નથી. સ્વાભાવિક છે કે આ બાબતોને ધ્યાનમાં લેવાથી લોકોના આરોગ્ય પર તેની વધુ પ્રતિકૂળ અસર પડી શકે છે. અભ્યાસના તારણો મુજબ કોવિડ-૧૯ના સંક્રમણને રોકવાના પગલાંના પ્રચાર તેમજ અન્ય બીમારીથી પીડાતા કોરોનાગ્રસ્તોના ઊંચા મૃત્યુદરથી આરોગ્ય ક્ષેત્રે રહેલી અસમાનતાને દૂર કરવા સાથે જાહેર આરોગ્યના પગલાંથી એક્સપોઝર ઘટાડવું જોઈએ, જેની પરોક્ષ અસર લોકોના માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે.
સંશોધકોના મતે આરોગ્ય સારવાર અને દવાઓની ઉપલબ્ધતામાં રહેલા છીંડાને રોકવા તરફ ધ્યાન કેન્દ્રીત થવું જોઈએ. આ ઉપરાંત અભ્યાસમાં મહત્વની બાબત ઉજાગર કરાઈ છે તે છે પોતાની સુરક્ષા અને અન્યોની સુરક્ષાનો ડર. કોરોનાના સંક્રમણને ટાળવાના ઉપાયો ઉપરાંત જાહેર આરોગ્યને લગતી માહિતીના પ્રસારથી પણ લોકોમાં બેચેની અને ડરને દૂર કરી શકાશે. મહામારીથી ફફડી ગયેલા લોકોને પૂરક આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવી જોઈ અને તેમના મનામાંથી ડરને દૂર કરવો જોઈએ તેમ લોવેએ જણાવ્યું હતું.