બ્રિટનમાં સોમવારથી લોકડાઉન નિયંત્રણો થયા છે. દેશમાં વ્યાપક સ્તરે અને યુદ્ધના ધોરણે કોરોના વેક્સિનેશન થઇ રહ્યું છે તે જોતાં નિષ્ણાતોએ આશાવાદ દર્શાવ્યો છે કે બ્રિટનમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થાય તે દિવસો દૂર નથી. જોકે આનો મતલબ એવો તો હરગીઝ નથી કે આપણે સહુએ કોરોનાને નેસ્તનાબૂદ કરી નાંખ્યો છે કે તેને અંકુશમાં લઇ લીધો છે. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગના મામલે લાપરવાહી દાખવી તો કોરોના વળગ્યો સમજો. ન કરે નારાયણ ને કોરોના વળગે, અને જો હોમ ક્વોરેન્ટાઇન થવું પડે તો? ગુજરાતના નિષ્ણાત તબીબો આ અંગે માર્ગદર્શન આપે છે.
ગુજરાત સરકારે કોરોનાકાળમાં લોકોને માર્ગદર્શન આપવા માટે નિષ્ણાત ડોક્ટરોને સાંકળીને ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી ડો. તેજસ પટેલ, પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટયૂટના ડિરેક્ટર ડો. દિલીપ માવળંકર, ડાયાબિટોલોજિસ્ટ ડો. વી. એન. શાહ, ચેપી રોગોના એક્સપર્ટ ડો. અતુલ પટેલ, પલ્મેનોલોજિસ્ટ-ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. તુષાર પટેલ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. મહર્ષિ દેસાઈનો સમાવેશ થાય છે.
આ નિષ્ણાતોએ હોમ ક્વોરેન્ટાઇન થયેલા કોરોનાગ્રસ્તોને જલ્દી રિકવરી માટે કેટલાક સૂચનો કર્યા છે, જે અહીં રજૂ કર્યા છે. અલબત્ત, આ તબીબી સૂચનોને અમલમાં મૂકતાં પહેલાં સહુ કોઇએ પોતપોતાના જીપીને કન્સલ્ટ કરી લેવા જરૂરી છે કેમ કે દરેક વ્યક્તિની તાસીર અલગ અલગ હોય છે.
નિષ્ણાતો કહે છે કે...
કોરોનામાં ૮૦ ટકા દર્દીઓ ગળામાં સોજો, તાવ, બોડી પેઇન જેવા સામાન્ય લક્ષણો ધરાવતા હોય છે, આવા દર્દીઓએ રેમડેસિવિર દવા માટે ખોટી ભાગદોડ કરવાને બદલે હોમ ક્વોરેન્ટાઇન થઈને માત્ર ત્રણ જ બાબતો ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. એક, શરીરને મહત્તમ આરામ આપો. બીજું, શરીરમાં હાઈડ્રેશન જાળવી રાખવા માટે સતત ખૂબ પાણી પીઓે, જે રેમડેસિવિર કરતાંય અક્સીર ઈલાજ છે. અને ત્રીજું, અંતિમ પગલાંરૂપે તાવ કાબૂમાં લાવવાની દવા દર આઠ કલાકે લો. સી-પ્રોટીન કે ડી-ડાઇમર ઉપર ધ્યાન આપવાની બિલકુલ જરૂર નથી. કોરોનાના સામાન્ય લક્ષણોમાં બીજી કોઈ દવાઓ આડઅસર કરે તેવી પૂરી શક્યતા છે. હા, વારંવાર શ્વાસ ચઢે કે ઓક્સિજનનું પ્રમાણ ૯૪થી નીચે જાય કે અશક્તિ લાગે તો જ દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થવાનો વિકલ્પ અપનાવવો જોઈએ.
કોરોના વેક્સિન લો અને મોતથી બચો ડો. તેજસ પટેલ
ડો. તેજસ પટેલે વેક્સિનેશન ઉપર ભાર મૂકતાં જણાવ્યું છે કે, કોરોનાથી બચવાનો હાથવગો ઉપાય હોય તો તે રસીકરણ છે. રસી લેનારને કોરોના ના થાય એવું માનવાની હરગીજ જરૂર નથી. રસી લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, મૃત્યુથી બચી શકાશે, કેમ કે રસીકરણ પછી મૃત્યુનું પ્રમાણ ઓછું છે, જે સિદ્ધ થઈ ચૂક્યું છે. બીજું એ કે સુપરસ્પ્રેડર થવાના ચાન્સિસ પણ ઘટી જાય છે. અત્યંત મોટી કોઈ બીમારી ના હોય તો તબીબની સલાહ અનુસરીને વેક્સિન લેવા જેવી જ છે.
બને ત્યાં સુધી સ્ટિરોઇડ પ્રકારની દવાઓ ટાળો: ડો. અતુલ પટેલ
ડો. અતુલ પટેલે કહ્યું, કોરોના એ ચેપી કરતાં ઇન્ફ્લેમેટરી રોગ વધારે છે, કેમ કે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાતવાળા ૧૫-૨૦ ટકા દર્દીઓનાં ફેફસાં, લિવર, આંતરડાં, કિડની, મગજમાં કોરોનાને કારણે સોજા આવે છે, જેના કારણે પ્રથમ લક્ષણ તરીકે દર્દીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. આવા દર્દીઓએ (પોતાના ડોક્ટરને કન્સલ્ટ કર્યા બાદ) સ્ટિરોઇડ્સ દવાઓ બિલકુલ ના લેવી જોઈએ, પણ ટોસિલિઝુમેબ તથા રેમડેસિવિર દવા-ઇન્જેક્શન લેવા જોઈએ, આ દવાઓમાં સફળતાનો રેશિયો ઊંચો જણાયો છે. જે દર્દીને સપ્લિમેન્ટ ઓક્સિજન આપવાનો થાય એ દર્દીએ પાંચ દિવસ અને વેન્ટિલેટર ઉપરના દર્દીએ ૧૦ દિવસ આ દવાઓ પોતપોતાના ડોક્ટરની સલાહ મુજબ લેવી જોઈએ.
કોરોનાનો નવો સ્ટ્રેન વઘુ ઘાતક: ડો. દિલીપ માવળંકર
અત્યારનો કોરોનાનો વેવ ગયા વર્ષના કોરોનાના વેવ કરતાં ત્રણ ગણો અને એથીય વધુ ઝડપ ધરાવે છે તેથી ખાસ સાવધ રહેવાની જરૂર છે, એમ ડો. દિલીપ માવળંકરનું કહેવાનું છે. તેમનું કહેવું છે કે હાલનો કોરોનાનો સ્ટ્રેન વધુ ઘાતક હોઈ તેનાથી બચવા લોકોએ ક્યાંય ભીડભાડ ના કરવી જોઈએ. જાહેરમાં વધારે સંખ્યામાં ભેગા થવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ. લોકોએ ઘરનાં તથા ઓફિસના બારીબારણાં ખુલ્લાં રાખવા જોઈએ. એમણે આરટી-પીસીઆર ટેસ્ટિંગ વધુ પ્રમાણમાં કરવા ઉપર ભાર મૂકી જણાવ્યું હતું કે, વેક્સિન લીધાં પછી તથા એક વાર કોરોનામાં આવ્યા બાદ બીજી વાર પણ કોરોના થઈ રહ્યો છે - આ બધા કેસો ઊંડો અભ્યાસ માગી લે છે.
તરત સિટિસ્કેનનો આગ્રહ અયોગ્ય: ડો. તુષાર પટેલ
ડો. તુષાર પટેલે જણાવ્યું કે, આરટી-પીસીઆર પોઝિટિવ આવ્યો એટલે તૂર્ત જ સિટિસ્કેનનો આગ્રહ બિલકુલ ખોટો છે. શરૂઆતના ૫-૬ દિવસમાં તો સિટિસ્કેનના રિપોર્ટમાં કોરોનાની અસર પકડાય જ નહીં, ઊલટાનું સિટિસ્કેનના રેડિએશનની આડઅસર પણ થઈ શકે, એટલે ૭-૮ દિવસ બાદ સિટિસ્કેન રિપોર્ટ કઢાવવો જોઈએ. એમણે અમુક કલાકો ઊંધા સૂવા તથા યોગ-પ્રાણાયામ કરવાની પણ સલાહ આપી હતી.