ન્યૂ યોર્કઃ કોરોના વાઇરસ અને લોકડાઉન બાદના તણાવ તથા હતાશાથી બચવા માટે પુરુષો કરતાં મહિલાઓ વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરી રહી હોવાનું ચોંકાવનારું તારણ એક અભ્યાસના આધારે રજૂ થયું છે.
યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડાના સંશોધકોએ કોરોના વાઇરસની અસર વિશે લગભગ ૭૫૦ લોકોનો અભ્યાસ કર્યો હતો. વિશ્વમાં કોવિડ-૧૯ મહામારી વકરી રહી છે ત્યારે ઘણા લોકો તેમાંથી બચવા માટે વિવિધ પ્રકારના સાચા-ખોટા ઉપાયો અજમાવી રહી છે. આમાં દારૂના સેવનનો પણ સમાવેશ થાય છે.
આ અભ્યાસમાં આવરી લેવાયેલા લોકોમાં એક સ્કેલ દ્વારા હતાશાના સ્તરની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે મહિલાઓ પુરુષો કરતાં ૧૬ ટકા વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરતી જોવા મળી હતી. સ્ટડીના આધારે એવો દાવો કરાયો છે કે આ તારણનો અર્થ એવો થયો કે મહામારીના લોકડાઉન દરમિયાન ઘરે બાળકોની હાજરી પીવાની આદત સાથે સંલગ્ન છે.
ફ્લોરિડાના સંશોધકોએ એવું જાણવા માગતા હતા કે કોરોનાના સ્ટ્રેસ અને માનસિક સમસ્યાઓમાંથી છૂટવા માટે કેટલા લોકો જાતે દવાઓ લે છે અને કેટલા લોકો દારૂનું સેવન કરી રહ્યાં છે. અભ્યાસમાં જણાયું હતું કે જે મહિલાઓ વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરતી હતી તેમનામાં જાતે દવા લેવાનો વધારે ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
સંશોધકોએ કહ્યું કે અમારા પરિણામો એવું સૂચન કરે છે કે ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્યની સતત દેખરેખની જરૂર છે કારણ કે તેઓ વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરી રહી છે અને જાતે દવાઓ લઇ રહી છે.