ન્યૂ યોર્કઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ એક અભ્યાસના આધારે જણાવ્યું છે કે કોરોના વાઇરસનો ભોગ બનેલો દર્દી જો ધુમ્રપાનની આદત ધરાવતો હોય તો તેને માથે મોતનું જોખમ વધુ હોય છે. જોકે આ જોખમ કેટલું વધુ હોય છે તેનો આ અભ્યાસમાં ફોડ પાડવામાં આવ્યો નથી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પ્રકાશિત થયેલા ૩૪ રિસર્ચ પેપરનો રિવ્યુ કરીને સ્મોકિંગની આધત અને કોવિડ-૧૯ વચ્ચેના સંબંધ વિશે ટૂંક નોંધ પ્રકાશિત કરી છે. ‘હૂ’એ તેની નોંધમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલાં દર્દીઓમાંથી ૧૮ ટકા સ્મોકર્સ હતા. તેમના સ્મોકિંગ અને કોરોનાની બીમારીની ગંભીરતા વચ્ચે કડી હોવાનું જણાયું હતું.
તેમની બીમારીની ગંભીરતા એટલી બધી હતી કે હોસ્પિટલે તેમની વિશેષ સંભાળ લેવી પડે. ઉલ્લેખનીય છે કે ગયા એપ્રિલમાં ફ્રેન્ચ સંશોધકોએ એક નાના અભ્યાસમાં જણાવ્યું હતું કે સ્મોકર્સને કોરોનાનો ચેપ લાગવાનું જોખમ ઓછું રહે છે. જોકે આ તારણો સામે અનેક વિજ્ઞાનીઓ - નિષ્ણાતોએ સવાલ ઉઠાવ્યા હતા.