નવી દિલ્હી: કોરોનાની દવા કોરોનિલ બનાવીને બજારમાં મૂક્યા પછી સરકારે આ દવા પર પ્રતિબંધ મૂકતાં યોગગુરુ બાબા રામદેવ કંપની પતંજલિ આયુર્વેદે હવે ફેરવી તોળ્યું છે. આ દવાને પતંજલિ આયુર્વેદ જૂથની કંપની દિવ્ય ફાર્મસીએ તૈયાર કરી હતી.
દવા પર પ્રતિબંધ બાદ પતંજલિએ ઉત્તરાખંડના આયુષ વિભાગની નોટિસના જવાબમાં કહ્યું છે કે અમે કોરોનાની કોઈ દવા બનાવી નથી. ઉલ્લેખનીય છે કે પતંજલિ આયુર્વેદ લિમિટેડ દ્વારા કોરોનાની અકસીર સારવાર કરતી આયુર્વેદિક દવા બનાવ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. બાબા રામદેવે જણાવ્યું હતું કે કોરોનિલ દવાથી કોરોનાના દર્દીઓ ઝડપથી અને સચોટ રીતે સાજા થઈ રહ્યા છે. આ દવા ઉપર બે વખત ક્લિનિકલ ટ્રાયલ કરાઈ છે. આ દવાથી માત્ર ૩ દિવસમાં ૬૯ ટકા લોકો સાજા થયા છે અને એક અઠવાડિયામાં ૧૦૦ ટકા લોકો સાજા થયા હતા. તે ઉપરાંત ક્લિનિકલ ટ્રાયલનો ડેથ રેટ ૦ ટકા હતો. ડેથ રેટ શૂન્ય હોવો તે ખૂબ જ મોટી બાબત છે. જોકે આ પછી પતંજલિએ ફેરવી તોળીને કહ્યું છે કે કોરોનાની કોઈ દવા બનાવી જ નથી.