જિનિવા: કોરોના વાઇરસનું વધુ સંક્રમક સ્વરૂપ બહાર આવ્યું છે, અને તે ‘રક્ષણાત્મક દિવાલ’ ભેદી શકે તેમ છે. આ સાથે હોસ્પિટલમાં દાખલ થનારાઓની પણ સંખ્યા વધી રહી છે. આથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO - ‘હૂ’)ના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને ચેતવણી આપી છે કે કોવિડના નવા મોજાં માટે દુનિયાએ તૈયાર રહેવું પડશે.
તેઓએ જણાવ્યું હતું કે, તેવી માહિતી સતત મળી રહી છે કે ઓમિક્રોનના સબ વેરિયન્ટ BA-4 અને BA-5 રસી લેનારાઓને પણ સંક્રમિત કરી શકે છે. સ્વામીનાથને ટ્વિટ કર્યું હતું કે આથી આપણે કોવિડ-19ના નવા મોજાં માટે તૈયાર રહેવું પડશે કારણ કે આ વાયરસના દરેક વેરિયન્ટ અને તેમની સંક્રમકતા વેક્સિનેશનનું કવચ તોડી શકે તેવા હશે. આવા સંક્રમકોની સંખ્યા વધતા હોસ્પિટલોમાં પણ દર્દીઓની ભરતી વધુ પ્રમાણમાં થતી રહેશે. આથી દરેક દેશોએ આંકડાઓ એકત્ર કરીને કોરોનાનો નવેસરથી સામનો કરવા માટે તૈયારીઓ શરૂ કરી દેવી પડશે. આ માટે સવિસ્તર યોજના પણ બનાવવી પડશે.