નવી દિલ્હીઃ દુનિયામાં કોરોનાનો વાઇરસ દાવાનળની જેમ ફેલાયો છે ત્યારે એ જાણી લેવું અત્યંત જરૂરી છે કે કોરોનાની મહામારી સામાન્ય નથી. જો આપણે ગંભીર બનીશું તો જીવી શકીશું...
વાઇરસ ૧૩ ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે
એક અભ્યાસમાં જણાવાયું છે કે, કોરોનનો વાઇરસ ૧૩ ફૂટ એટલે કે ચાર મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. અત્યાર સુધી જારી કરાયેલી માર્ગદર્શિકામાં એમ જણાવવામાં આવતું હતું કે, કોરોનાનો વાઇરસ બે મીટર સુધી જ પ્રવાસ કરી શકે છે.
નેગેટિવ ટેસ્ટ પછી પણ વાઇરસ હોઈ શકે
અમેરિકામાં વૈજ્ઞાનિકોએ ચેતવણી ઉચ્ચારી છે કે કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય તેવી વ્યક્તિમાં પણ કોરોનાનો વાઇરસ હોઈ શકે છે. પીસીઆર ટેક્નોલોજીની કેટલીક મર્યાદા છે અને આ ટેસ્ટથી કોરોના વાઇરસ ઘણી વખત શોધી શકાતા નથી.
માસ્ક પહેરવાનું ટાળશો નહીં
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો તમારા નાકમાં ૪૦થી ૨૦૦ વાઇરલ પાર્ટિકલ્સ પ્રવેશ કરે તો ઇન્ફેક્શન થઈ શકે છે. જો તમે માસ્ક પહેરો છો તો તમે તમારા નાક દ્વારા શ્વાસમાં જતાં વાઇરસને અટકાવી શકો છો.
કોરોનાના દર્દીની પાછળ ના ચાલો
નેધરલેન્ડની એક ટેક્નોલોજી યુનિવર્સિટીના પ્રોફેસર બર્ટ બ્લોકને ચેતવણી આપી છે કે, કોરોના સંક્રમિત વ્યક્તિ તેની ૬ ફૂટ પાછળ ચાલતી વ્યક્તિને પણ આસાનીથી પોતાનો ચેપ આપી શકે છે. સોશ્યલ ડિસ્ટન્સ હંમેશા જાળવો.