વોશિંગ્ટનઃ કોરોનાથી પીડિત રહી ચુકેલા અનેક લોકોને આજે પણ શ્વાસ લેવામાં મુશ્કેલી, તણાવ, મગજનું અનિયંત્રિત રીતે ચાલવું જેવી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) અનુસાર દુનિયાભરમાં આજે પણ 10થી 20 ટકા લોકો લોન્ગ કોવિડ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ભૂતકાળમાં માત્ર એવું મનાતું રહ્યું હતું કે, કોરોના શ્વસનતંત્ર સંબંધિત સમસ્યા છે, પરંતુ પછી વિશેષજ્ઞોએ જોયું કે, કોરોનાએ મગજ પર પણ ગંભીર અસર કરી છે.
કેટલાક સંશોધનમાં એવું પણ જોવા મળ્યું છે કે, કોરોના સંક્રમણે મગજ પર એવી અસરો કરી છે કે જે વ્યક્તિના સાજા થયા બાદ પણ જોવા મળી રહી છે. મગજની સામંજસ્ય બેસાડવાની ક્ષમતા ઘટી છે. મગજના આકારમાં પરિવર્તન, ડિપ્રેશન, આત્મહત્યાના વિચારો આવવા, યાદશક્તિમાં ઘટાડો અને ગંભીર ડિમેન્શિયાની સમસ્યા જોવા મળી રહી છે. જેમને કોરોનાનો હળવો ચેપ લાગ્યો હતો તેમનામાં પણ આવી સમસ્યા જોવા મળી રહી છે.
કોરોનાની ઝપટે ચઢેલા દર્દીઓ પર સંશોધન કરનારા ડો. લારા જેહીએ જોયું કે, કોરોનાએ વ્યક્તિની રોગપ્રતિકારકશક્તિને એવી રીતે અસર કરી છે કે, મગજની રક્તવાહિકાઓને જ નુકસાન પહોંચાડ્યું છે. આથી મગજમાં સોજો અને પરિવર્તન આવ્યું છે. કેટલાક રિસર્ચરનું માનવું છે કે. કોરોના મગજના એવા ‘સપોર્ટ સેલ’ પર સીધો હુમલો કરી શકે છે, જે મગજ અને શરીરના સામાન્ય રીતે કામ કરવા માટે જવાબદાર છે.