જિનિવા: ‘હૂ’ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ કોરોના સામે મુકાબલો કરવા એન્ટિબાયોટિકના વધારે પડતાં ઉપયોગ સામે ચેતવણી ઉચ્ચારી છે. સંગઠનના મહાનિર્દેશક ટેડ્રોસ ગેબ્રેયેસસે જણાવ્યું હતું કે એન્ટિબાયોટિક દવાઓના વધારે પડતાં ઉપયોગથી ઘાતક બેક્ટેરિયાની પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે અને તે જીવલેણ સાબિત થઇ શકે છે. વધારે એન્ટિબાયોટિક દવાઓના સેવનમાં એક મર્યાદા પછી ઘાતક બેક્ટેરિયા મજબૂત થઈ જાય છે. ગેબ્રેયેસસે કહ્યું કે ફક્ત એ જ કોરોના દર્દીની સારવારમાં એન્ટિબાયોટિકની જરૂર પડે છે જેમનામાં બેક્ટેરિયાના ચેપનું વધુ જોખમ છે અને આવા દર્દી ઓછા હોય છે. ઓછા ગંભીર દર્દીને એન્ટિબાયોટિક થેરપી ન આપવી જોઇએ. ગેબ્રેયેસસે કહ્યું કે એન્ટિમાઈક્રોબાયલ પ્રતિરોધનો ખતરો આપણા સમયના સૌથી મોટા પડકાર પૈકી એક છે. આ સ્પષ્ટ છે કે દુનિયા ગંભીર રીતે મહત્ત્વપૂર્ણ એન્ટિમાઈક્રોબાયલ દવાઓનો ઉપયોગ કરવાની ક્ષમતા ગુમાવી રહી છે. જોકે અનેક ગરીબ દેશોમાં આ દવાઓનો વધારે પડતો ઉપયોગ થઈ રહ્યો છે તે પણ હકીકત છે.