સમસ્ત વિશ્વ કોરોના વાઇરસના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. આ મહામારીને નાથે તેવી કોઇ અકસીર દવા ઉપલબ્ધ નથી ત્યારે દુનિયાભરમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિન (એચસીક્યૂ) કોરોનાની સુપર ડ્રગ્સ તરીકે ઉભરી છે. અને આ દવાનું ભારતમાં જંગી પાયે ઉત્પાદન થતું હોવાથી ભારત દુનિયા માટે મદદગાર બનીને ઉભર્યું છે. હકીકત એ છે કે આ દવા કોરોનાની નહીં પણ મેલેરિયાની છે. શરૂઆતના સ્તરથી અત્યાર સુધી કોરોના વિરુદ્ધ આ દવા સૌથી વધુ પ્રભાવી મનાઈ છે. ગત ૭૬ વર્ષથી ભારતમાં એન્ટિ મલેરિયા અને રુમેટોઈડ અર્થરાઈટિસના ઉપચારમાં વપરાતી આ દવાની અચાનક જ બજારમાં અછત વર્તાઈ.
સૌપ્રથમ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ દવાનો ઉપયોગ થયો હતો. આ ટેબલેટ મૂળરૂપે ઈમ્યુન પાવર વધારે છે. ૧૯૪૦ પછી તેનો ઉપયોગ મલેરિયાની સારવાર માટે કરાયો. ભારતે અમેરિકા, સ્પેન, જર્મની વગેરે સહિત ૧૩ દેશો માટે પ્રથમ કન્સાઇનમેન્ટ મોકલી આપ્યું છે. અમેરિકાએ ભારત પાસે તેની ૪૮ લાખ ટેબલેટ માગી હતી. જોકે ભારતે હાલ તો ૩૫ લાખ ટેબલેટ મોકલી છે. દેશમાં ૮૦ ટકા એચસીક્યૂ ઈપ્કા અને ઝાયડસ-કેડિલા કંપનીઓ બનાવે છે. ભારતમાં એચસીક્યૂના કુલ ઉત્પાદનનો ૧૦ ટકા ઉપયોગમાં લેવાય છે. બાકી ૯૦ ટકા ૫૦ દેશોને એક્સપોર્ટ થાય છે. તો આવો જાણીએ આ દવાની આટલી માગ કેમ વધી ગઈ છે અને કોરોનાની સારવાર સાથે તેનો શું સંબંધ છે?
• એચસીક્યૂ શું છે? એચસીક્યૂ એન્ટી મેલેરિયા ડ્રગ છે. તે ક્લોરોક્વિનનું એક રૂપ છે. ક્લોરોક્વિનનો ઉપયોગ મેલેરિયાની સારવારમાં થાય છે. એચસીક્યૂનો ઉપયોગ મેલેરિયા ઉપરાંત રુમેટોઇડ આર્થરાઇટિસ જેવી બીમારીઓમાં થાય છે. તે ઇમ્યુનિટી વધારે છે. એચસીક્યૂની શોધ ૧૯૩૪માં થઇ હતી.
• ભારત શા માટે ચર્ચામાં? અમેરિકા, બ્રાઝિલ સહિત વિશ્વના ઘણાં દેશો હાલ આ દવા માટે ભારત પર નિર્ભર છે. ફોર્બ્સના એક રિપોર્ટ મુજબ દુનિયામાં વપરાતી એચસીક્યૂ ટેબલેટ્સ પૈકી ૭૦ ટકા ઉત્પાદન એકલા ભારતમાં જ થાય છે. ભારત આ દવાનું મોટું સપ્લાયર છે, જેણે હાલમાં અમેરિકાને પણ દવા આપી છે.
• વિશ્વ કેવી રીતે નિર્ભર? મૂળે મચ્છરોની સમસ્યાના કારણે ભારતમાં તેનું વધુ ઉત્પાદન થાય છે. અમેરિકા જેવા વિકસિત દેશોમાં મેલેરિયા ફેલાવતા મચ્છરોનો પ્રકોપ ઓછો હોવાથી ત્યાં અને તેના જેવા દેશોમાં આ દવાનું ઉત્પાદન નથી થતું.
• ભારતની ક્ષમતા કેટલી? ભારત સરકારના જણાવ્યા પ્રમાણે હાલ માસિક ૪૦ મેટ્રિક ટન હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાના એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રડિઅન્ટ્સ (એપીઆઇ) ઉપલબ્ધ છે. તેના દ્વારા ભારત દર મહિને ૨૦૦ એમજીની ૨૦ કરોડ ટેબલેટ બનાવી શકે છે. હાલ લોકડાઉનની અસરના કારણે ક્ષમતાનું ૫૦ ટકા ઉત્પાદન જ થઇ શકે છે.
• કઇ રીતે અસરકારક? હાઇડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ મુખ્યત્વે રુમેટોઇડ આર્થરાઇટિસમાં કરાય છે, જે એક ઇમ્યૂન ડિસીસ છે. આ દવા ઇમ્યૂન મોડ્યુલેશનનું કામ કરે છે. કોવિડ-૧૯ પણ ઇમ્યૂન સાથે જ જોડાયેલી બીમારી હોવાથી આ દવા લાભકારક નિવડી શકે. જોકે હજુ સુધી તેના કોઇ પુરાવા નથી પણ લક્ષણોના આધારે તે બરાબર લાગે છે.
એક વાત એવી પણ છે કે આ દવા બીજી દવા સાથે કોમ્બિનેશનમાં અપાય છે. કોવિડ-૧૯માં પણ ઘણી જગ્યાએ તે એજિથ્રોમાઇસિન સાથે અપાય છે.
બીજી એક ખૂબ મહત્ત્વની વાત એ છે કે હાર્ટ પેશન્ટ, બીપી અને લીવરની બીમારીથી પીડાતા પેશન્ટમાં તેની સાઇડ ઇફેક્ટ વધુ દેખાય છે. તે બ્લડ બનવાની પ્રક્રિયામાં પણ પ્રતિકૂળ અસર કરી શકે છે. તેથી આ દવા આપવા સાથે સંબંધિત ટેસ્ટ્સ પણ જરૂરી છે.
• શું એચસીક્યૂથી કોરોના ઠીક થાય છે? નહીં. અત્યાર સુધી એ સાબિત થયું નથી કે એચસીક્યૂ કોરોનાની સારવાર છે. વિવિધ અભ્યાસ જણાવે છે કે આ દવા કોવિડ-૧૯ વાયરસની અસરને ઓછી કરી શકે છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, સ્પેન અને ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોમાં ટ્રાયલ ચાલુ છે. નિષ્ણાતો માને છે કે પરિણામ પર પહોંચતા પહેલાં મોટા પાયે ક્લિનિકલ ટ્રાયલની જરૂર છે. એચસીક્યૂની અસરકારકતા અંગે બે મોટા પરીક્ષણ ચાલે છે. પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સોલિડ ટ્રાયલ, જેનો ભારત પણ એક હિસ્સો છે. જ્યારે બીજી ક્લોરોક્વિન એક્સેલરેટર ટ્રાયલ છે, જે વેલકમ ટ્રસ્ટ-યુકે અને બિલ ક્લિન્ટન મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા કરાઇ રહી છે.
• તો પછી આ દવાની આટલી માગ કેમ? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે એ હેલ્થકેર વર્કર્સને આપવાની મંજૂરી આપી હતી, જે કોરોનાના કેસો સંભાળી રહ્યા છે. સાથે જ એ લોકોને પણ આપી શકાય છે, જેમનામાં કોરોનાના લક્ષણ તો નથી પરંતુ તેઓ કોરોના દર્દીઓના સંપર્કમાં આવ્યા હોય. આમ ડોક્ટરની સલાહથી એચસીક્યૂ લઇ શકાય છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા જાહેર મંચ પર આ દવાની માગ કરાતા અને કોરોનાની સારવારમાં એચસીક્યૂના ઉપયોગની સંભાવના વ્યક્ત કરાયા બાદ આ દવાની માગ વધી ગઇ.
• શું મારે એચસીક્યૂ લેવી જોઇએ? બિલ્કુલ નહીં... યુરોપમાં કોરોના સંક્રમિતોની સંખ્યા લાખોમાં છે. યુરોપિયન મેડિસિન્સ એજન્સીનું કહેવું છે કે કોરોના વાઇરસના દર્દીઓએ એચસીક્યૂ ખાવી જોઇએ નહીં. સાઇડ ઇફેક્ટ્સ જોતાં સ્વીડનની હોસ્પિટલોએ તેનો વપરાશ બંધ કરી દીધો છે. મેયો ક્લિનિકના ડો. માઇકલ એકરમેન કહે છે કે ભલે આ દવાને ૯૦ ટકા વસતી માટે સુરક્ષિત મનાતી હોય, છતાં દિલ માટે તે જોખમી પણ હોઇ શકે છે. ખાસ કરીને તેમના માટે જેઓ કોઇ બીમારીમાં સપડાયેલા છે અથવા પહેલાંથી જ ઘણી દવા લેતા હોય. તેથી ડોક્ટરની સલાહ વગર તેનું સેવન કરવું જોઇએ નહીં.