નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાનો શિકાર બનેલા પ્રથમ દર્દી રોહિત દત્તા (૪૫)ને શનિવારે સફદરજંગ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. મયૂર વિહાર ફેઝ-૨માં રહેતા રોહિતે સંપૂર્ણપણે કોરોના મુક્ત થયા બાદ પોતાને નવી જિંદગી મળ્યાનું જણાવ્યું હતું.
રોહિતના કહેવા પ્રમાણે તેઓ હવે સ્વસ્થ છે અને તેમના શરીરમાંથી સંક્રમણ દૂર થઈ ગયું છે. તેમણે લોકોને વધારે પડતું ડર્યા વગર સાવધાની રાખીને સ્વાસ્થ્ય, સફાઈ પર વિશેષ ધ્યાન આપવાની અને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી હતી. રોહિતે જણાવ્યું કે હોસ્પિટલનો આઈસોલેશન વોર્ડ કોઈ પ્રાઈવેટ વોર્ડના વીઆઈપી રૂમ કરતા પણ સારો હતો અને તેમાં સાદું પણ શ્રેષ્ઠ ભોજન મળતું હતું.
સારવાર દરમિયાન તેઓ ઘરના લોકો સાથે વાત કરતા હતા, નેટફ્લિક્સ પર ફિલ્મો જોતા હતા, પુસ્તકો વાંચતા હતા અને સમાચાર, સોશિયલ મીડિયાને ફોલો કરતા હતા. હોળી વખતે પ્રથમ વખત તેઓ પરિવારથી દૂર હતા માટે દુખી થઈ ગયા હતા પરંતુ તે દિવસે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને વીડિયો કોલ કરીને તેમની નિરાશા દૂર કરી દીધી હતી. હર્ષવર્ધને તેમને હોળીની શુભેચ્છા પાઠવીને ખબર-અંતર પુછ્યા હતા અને વડા પ્રધાને પણ તેમના જલદી સ્વસ્થ થવાની કામના કરી છે તેવો મેસેજ આપ્યો હતો. છેલ્લા બંને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી પરંતુ હજુ ૧૪ દિવસ તેઓ ઘરે રહ્યા બાદ ઓફિસ જોઈન કરશે.