લંડનઃ બ્રિટનના કેન્ટ ક્ષેત્રમાં સૌથી પહેલાં મળેલો કોરોના વાઈરસનો નવા વેરિએન્ટ ચિંતાનો વિષય બની ગયો છે કારણકે કોરોના મહામારી સામે રક્ષણ આપવા માટે તૈયાર કરાયેલી કોવિડ-૧૯ વેક્સિનની અસર તેની સામે ફિક્કી પડી શકે છે. યુકે જેનેટિક સર્વેલન્સ પ્રોગ્રામ ચીફ શેરોન પિકોકનું માનવું છે કે કેન્ટ વેરિએન્ટ સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લઈ શકે છે. બ્રિટનની સાથે જ દક્ષિણ આફ્ર્કિા અને બ્રાઝીલમાં પણ કોરોનાના નવા વેરિએન્ટ સામે આવ્યા છે. આ કારણોસર વાઈરસ વિરુદ્ધ વિશ્વની લડાઈ એક દશકો ચાલે તેવી શક્યતા છે.
કોવિડ-૧૯ જેનોમિક્સ યુકે કન્સોર્ટિયમના ડાયરેક્ટર શેરોન પિકોકે કહ્યું છે કે ‘યુકેમાં વેક્સિન વેરિએન્ટ્સ વિરુદ્ધ અસરદાર હતી પરંતુ, તેના બદલાતા સ્વરુપથી વેક્સિનની અસર સંભવિતપણે ઓછી થઈ શકે છે. જ્યારે આપણે મોટી સંખ્યામાં આ વાઈરસથી સંક્રમિત થઈ ગયા હોઈશું અથવા વાઈરસ ખુદ પોતાનું સ્વરુપ બદલી નાખશે, તે પછી જ આપણે તેના બાબતે ચિંતા કરવાનું બંધ કરી શકીએ છીએ. જોકે, મારા માનવા પ્રમાણે તો ભવિષ્યને જોતાં તેના માટે વર્ષો લાગી જશે, કદાચ ૧૦ વર્ષ પણ લાગી શકે છે.’ શેરોન પિકોક કહે છે કે બ્રિટિશ વેરિએન્ટ વધુ સંક્રમણ ફેલાવી શકે છે. અન્ય વેરિએન્ટની સરખામણીએ તે વધુ ખતરનાક હોય તે જરુરી નથી, પરંતુ આ વિશ્વભરમાં ફેલાઈ જશે.
કોરોના વાઈરસના લીધે વિશ્વભરમાં ૨૪,૧૨,૮૧૫ લોકો અને યુકેમાં કુલ ૧,૧૭,૧૬૬ મોત નીપજ્યા છે જ્યારે કરોડો લોકોનું સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. આ ઉપરાંત, કેટલાંક નવા કોરોના વેરિએન્ટે ફરીથી ચિંતા વધારી છે કે જે વેક્સિન તૈયાર કરાઈ છે, તેમાં ફરીથી બદલાવ કરવો પડશે.