લંડન: ભારતીય મૂળના બ્રિટિશ નિષ્ણાત પ્રોફેસર રવીન્દ્ર ગુપ્તાએ ચેતવણી ઉચ્ચારી છે કે આગામી કોરોનાનો વેરિયન્ટ ખૂબ જ ઘાતક બની રહેશે. કેમ્બ્રિજ ઇન્સ્ટિટયૂટ ફોર થેરેપ્યુટિકલ ઇમ્યૂનોલોજી ડિસીઝના ક્લિનિકલ માઇક્રોબોયોલોજિસ્ટના અધ્યાપક પ્રોફેસર ગુપ્તાનું કહેવું છે કે ઓમિક્રોન ઓછી ગંભીર બીમારી ફેલાવે છે તે સમાચાર સારા લાગી રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે આ વાઇરસનું સ્વરૂપ ખામીયુક્ત છે. વાઇરસ કુદરતી રીતે જ પોતાની આ ભૂલ સુધારી લેશે ત્યારે કોવિડનો જે નવો વેરિયન્ટ આવશે તે ખોફનાક બની રહેશે. ઓમિક્રોનના અભ્યાસ પછી ભારતીય મૂળના આ નિષ્ણાતે જણાવ્યું હતું કે ઓમિક્રોન હકીકતે જે કોષિકાઓને સંક્રમિત કરી રહ્યો છે તે કોષિકા ફેફસાંમાં ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. તેથી ઓમિક્રોન એટલો ગંભીર નથી લાગતો, પરંતુ તેનું સંક્રમણ કોઈ પણ રીતે હળવું નથી જ.
પ્રો. ગુપ્તાનું કહેવું છે કે સમયની સાથે વાઇરસની અસરકારકતા નબળી પડે છે એ વાત સાચી, પરંતુ ભવિષ્યમાં આ વાઇરસ ખતરનાક બની શકે છે. વાઇરસ દીર્ઘકાલીન વિકાસવાદી પરિણામોને કારણે નબળો પડતો હોય છે, પરંતુ કોવિડના સંદર્ભમાં આ દોર હજી શરૂ નથી થયો. જૈવિક વ્યવહારમાં વાઇરસ પરિવર્તનનો ઇરાદો નથી ધરાવતો હોતો પરંતુ ઓમિક્રોનના કિસ્સામાં આવું ભૂલથી થઈ ગયું છે. વળી, ઓમિક્રોન જે કોષિકાઓ પર હુમલો કરે છે તે કોષિકાઓનું પ્રમાણ પણ ફેફસાંમાં ઓછું છે. હાલમાં આ સમાચાર સારા હોઈ શકે છે, પરંતુ નવો વેરિયન્ટ ખતરનાક બની શકે છે.
મહત્તમ રસીકરણ સમયની માગ
પ્રોફેસર ગુપ્તાનું કહેવું છે કે ઓમિક્રોન વેરિયન્ટના સંક્રમણને કુદરતી રસીકરણના રૂપમાં મૂલવનારાઓના દૃષ્ટિકોણને પણ સમજવો રહ્યો. સંક્રમણને અટકાવતા પ્રયાસ અવરોધવાનું ખતરનાક બની રહેશે, કેમ કે ઓમિક્રોનના ફેલાવાની રસીકરણના રૂપમાં મૂલવણી એ તો એકમાત્ર ધારણા છે. પ્રોફેસર ગુપ્તાએ બ્રિટિશ સરકારને સલાહ આપી છે કે હજી પણ ખૂબ ઝડપથી વ્યાપક રસીકરણ જ કોવિડ સામેનો એકમાત્ર નક્કર ઉપાય છે. ગંભીર બીમારી ધરાવતો નવો વેરિયન્ટ આવે તે પહેલાં ઓમિક્રોનની નબળાઈનો લાભ લઈને મહત્તમ લોકોનું રસીકરણ થઈ જવું જોઈએ.