વોશિંગ્ટન: અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ તારણ રજૂ કર્યું હતું કે કોરોના પછી વિશ્વના દોઢ કરોડ લોકોને વિવિધ માનસિક બીમારીનો સામનો કરવો પડયો છે.
બ્રિટિશ મેડિકલ જર્નલ (બીએમજે)માં પ્રસિદ્ધ થયેલા આ અહેવાલમાં વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે દુનિયામાં કોરોના પછી સાજા થયેલા દોઢ કરોડ કરતાં વધુ લોકોને એક યા બીજા પ્રકારે માનસિક બીમારીનો સામનો કરવો પડયો છે. એકલા અમેરિકામાં જ ૨૮ લાખ લોકો નાની-મોટી માનસિક બીમારીનો ભોગ બન્યા છે.
અહેવાલ પ્રમાણે કોરોનામાંથી સાજા થયા બાદ એક વર્ષ સુધી વિવિધ માનસિક બીમારીનો ખતરો રહે છે. ખાસ તો સ્લીપિંગ ડિસઓર્ડર્સ, એંગ્ઝાઈટી, ડિપ્રેશન વગેરેનો શિકાર બનવાની શક્યતા છે. જોકે, લોકો એ બાબતે ખૂબ જ બેપરવાહ હોવાનું પણ કહેવાયું હતું.
લોકો કોરોના પછી આવી માનસિક બીમારી બાબતે ખાસ ધ્યાન આપતા નથી અને તેના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ જાય છે. વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ એવી ભલામણ કરી હતી કે જેમને કોરોનાનું સંક્રમણ વધારે થયું હોય તેમણે માનસિક બીમારીથી સાવધાન રહેવું જોઈએ. કોરોના સર્વાઈવર્સે એક વર્ષ સુધી દિમાગમાં કંઈ ફેરફાર જણાય તો તેને ગંભીરતાથી લઈને ઈલાજ કરાવવો હિતાવહ છે. આનાથી અનેક પ્રકારની માનસિક-શારીરિક તકલીફોથી બચી શકાય છે.