લંડનઃ ડોક્ટરો હૃદયની તંદુરસ્તી વધારવા અને હૃદયરોગને અટકાવવા માટે ‘ખરાબ’ કોલેસ્ટરોલ ઓછું રહે તેવી ભલામણ કરતા હોય છે. પરંતુ આ ઓછું એટલે કેટલું તે કોઈ ખોંખારીને કહી શકતું નથી.અમેરિકન હાર્ટ એસોસિયશન લો ડેન્સિટી લિપિડ (LDL)નું પ્રમાણ ૧૦૦થી નીચું હોય તેને સારુ ગણાવે છે અને ઈશ્કેમિક સ્ટ્રોક (મગજને લોહી નહિ મળતા એટેક)નું જોખમ ઘટે છે. મગજને રક્ત પહોંચાડતી ધમની ગંઠાય તો લોહીની માત્રા મળતી ઘટે છે અને ઈશ્કેમિક સ્ટ્રોક આવે છે.
જોકે, પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીના નવા સંશોધન અનુસાર LDLકોલેસ્ટરોલનું પ્રમાણ ૫૦થી નીચું પહોંચે તો રક્તવાહિની ફાટી જવાનું જોખમ જીવલેણ સ્તરે પહોંચે છે. LDLકોલેસ્ટરોલ ૧૦૦થી નીચું હોય પરંતુ, ૭૦થી વધુ હોય તેમની સરખામણીએ ૭૦થી ઓછું LDLકોલેસ્ટરોલ ધરાવતા લોકોને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. જો આ પ્રમાણ અતિશય નીચું જાય તો રક્તવાહિની નબળી પડી ફાટી જવાથી હેમરેજિક સ્ટ્રોકનું જોખમ ૧૬૯ ટકા વધી જતું હોવાનું આ સંશોધનમાં જણાવાયું છે. હેમરેજિક સ્ટ્રોક સામાન્ય નથી પરંતુ, ઈશ્કેમિક સ્ટ્રોક કરતાં વધુ જીવલેણ હોય છે.
બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર યુકેમાં દર વર્ષે હાર્ટ અને સર્ક્યુલેટરી ડિસીઝના કારણે આશરે ૧૭૦,૦૦૦ મોત એટલે કે દરરોજ સરેરાશ ૪૬૦ અથવા દર ત્રણ મિનિટે એક મોત થાય છે. સ્ટ્રોક્સના કારણે યુકેમાં દર વર્ષે ૩૬,૦૦૦થી વધુ મોત થાય છે અને તે અતિ ગંભીર અક્ષમતાનું કારણ પણ છે. યુકેમાં અંદાજે ૩.૯ મિલિયન પુરુષ અને ૩.૫ મિલિયન સ્ત્રીઓ હાર્ટ અને સર્ક્યુલેટરી ડિસીઝ સાથે જીવે છે.યુએસમાં હાર્ટ એટેકને મોતનું પ્રથમ ક્રમનું કારણ ગણાવાય છે. દર વર્ષે હૃદયરોગોથી ૬૧૦,૦૦૦ લોકો મોતનો શિકાર બને છે તેમાંથી ૧૪૦,૦૦૦ મોત સ્ટ્રોકના કારણે થાય છે.