લંડનઃ દેશમાં વર્ષેદહાડે હૃદયરોગનું જોખમ ધરાવતા દોઢ લાખ દર્દીઓને કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓ(સ્ટેટિન્સ)ની ભલામણ જ થઈ નથી. વર્ષ ૨૦૧૩થી ઇંગ્લેન્ડમાં એનએચએસ હેલ્થ ચેક સ્કીમમાં ભાગ લઈ ચૂકેલાં લોકો પૈકી દર પાંચમાંથી એક દર્દીને કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓ(સ્ટેટિન) લેવાની જરૂર જણાઈ હતી. પરંતુ તબીબોએ તેમને સ્ટેટિનની ભલામણ જ કરી ન હતી.
પ્રૌઢ લોકોને હૃદયરોગથી બચાવવા ઇંગ્લેન્ડમાં વર્ષ ૨૦૦૯થી જાહેર આરોગ્ય તપાસ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. દર વર્ષે તેની પાછળ ૩.૨ કરોડ પાઉન્ડનો ખર્ચ થાય છે. આ તપાસ દરમિયાન ધ્યાને આવ્યું હતું કે ૫૦થી ૮૦ ટકા હૃદયરોગના દર્દીઓને આ રોગમાંથી ઉગારી શકાય તેમ હતા. પરંતુ તે પૈકી વાર્ષિક ૧,૬૨,૦૦૦ દર્દીઓને તો કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓ જેવી યોગ્ય અને પૂરતી સારવાર જ અપાઈ ન હતી. રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાએ કરેલી ભલામણો મુજબ જે વ્યક્તિને આગામી દસ વર્ષ સુધીમાં હૃદયરોગ થવાની ૧૦ ટકા શક્યતા હોય તેને સ્ટેટિન્સ જેવી દવા આપવી જોઈએ. હવે એવી હકીકત સામે આવી છે કે ૩૯ લાખ લોકો સીવીડીનું ૨૦ ટકા જોખમ ધરાવતાં હોવા છતાં તે પૈકી અડધોઅડધ લોકોને સ્ટેટિન્સની સારવાર જ અપાઈ નથી.