કોલ્ડ ડ્રિન્ક, ફૂડમાં કૃત્રિમ સ્વીટનરથી કેન્સરનું જોખમ

Friday 15th April 2022 11:57 EDT
 
 

લંડન: કૃત્રિમ સ્વીટનરવાળી વસ્તુઓ રોજ ખાતા લોકોમાં કેન્સરનું જોખમ 13 ટકા સુધી વધી જાય છે. ઘણી વાર કોલ્ડ ડ્રિન્કનો સ્વાદ વધારવા તેમાં કૃત્રિમ મીઠાશ ઉમેરાય છે, પણ કેન્સરજન્ય રોગ થવાનું જોખમ વધી જાય છે. ફ્રેન્ચ નેશનલ ઇન્સ્ટિટ્યૂટના એક્સપર્ટ્સે અંદાજે ૧ લાખ લોકો પર આ રિસર્ચ કર્યું છે, જેમની સરેરાશ ઉંમર ૪૨ વર્ષ હતી અને તેમાં ત્રીજા ભાગની મહિલાઓ હતી.
એક્સપર્ટ્સે 8 વર્ષ સુધી આ લોકોની ખાણીપીણીનો અભ્યાસ કર્યો છે. સૌથી ખતરનાક સ્વીટનર એસ્પારટેમ અને એસઉલફેમ-કે છે, જે બ્રિટનમાં કોલ્ડ ડ્રિન્ક, દહીં અને ચીઝમાં ભેળવાય છે. રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે 37 ટકા લોકો આ બધું જાણતા હોવા છતાં રોજ એક વાર કૃત્રિમ સ્વીટનરનો ઉપયોગ કરે છે. તેનું પરિણામ એ આવ્યું કે અભ્યાસના અંત સુધીમાં 3,358 લોકોને કેન્સર થઇ ગયું હતું. તેમની સરેરાશ ઉંમર 59 વર્ષ હતી. તેમાં સૌથી વધુ 22 ટકા એટલે કે 2.32 લોકોને સ્થૂળતાનું કેન્સર થયું જ્યારે 982 લોકો બ્રેસ્ટ કેન્સરનો શિકાર થયા હતા.
403 લોકો પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત થયા. એસ્પારટેમ અને એસઉલફેમ-કેમાં 200 ગણી જેટલી વધારે મીઠાશ હોય છે. કેન્સર રિસર્ચના નિષ્ણાતના જણાવ્યા અનુસાર કૃત્રિમ સ્વીટનર અને કેન્સર વચ્ચે સંબંધ હોવાનો અર્થ એ નથી કે લોકો તેનો ઉપયોગ જ ન કરે. એવું મનાય છે કે ભૂતકાળમાં યુકે એસોસિયેશન દ્વારા આવું રિસર્ચ કરાયું હતું, જેમાં આવાં કોઇ લક્ષણો નહોતાં જણાયાં.
લંડનની કિંગ્સ કોલેજના પ્રો. ટોમ સેન્ડર્સ કહે છે કે જે મહિલાઓ મેદસ્વી હોય કે ઝડપથી મેદસ્વી બની રહી હોય તેઓ કૃત્રિમ સ્વીટનરનો વધુ ઉપયોગ કરે છે. આ સંપૂર્ણપણે કંટ્રોલ કરવું મુશ્કેલ હોય છે, પણ સારી દિનચર્યાથી તેનું જોખમ ઘટાડી શકાય છે તેમાં બેમત નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter