લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કોવિડ મહામારીમાં આલ્કોહોલ સંબંધિત મૃત્યુનો દર ૨૦૨૦માં સૌથી ઊંચે રહ્યો છે જે અગાઉના ૨૦ વર્ષ દરમિયાન નોંધાયેલા મૃત્યુ કરતાં વધારે છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના સર્વે અનુસાર ૨૦૧૯ની સરખામણીએ આલ્કોહોલ સંબંધિત મૃત્યુ ૨૦ ટકા વધ્યા હતા. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના ડેટા મુજબ હોસ્પિટલમાં પ્રવેશ અને મૃત્યુ બાબતે આલ્કોહોલનું પરિબળ મોટું હતું.
ગયા વર્ષે આલ્કોહોલના વધુ વપરાશ કે દુરુપયોગથી સમગ્રતયા ૭,૪૨૩ મોત નીપજ્યા હતા. કોરોના વાઈરસના કારણે યુકેમાં શ્રેણીબદ્ધ લોકડાઉન્સ લદાયા તે માર્ચ ૨૦૨૦ પછી મોતની સંખ્યા અન્ય કોઈ વર્ષની સરખામણીએ ૨૦૨૦માં સૌથી વધુ મોત નોંધાયા હતા. ૨૦૦૧ અને ૨૦૧૯ના ગાળામાં આલ્કોહોલ સંબંધિત મૃત્યુ સરેરાશ ૨.૧ ટકાના દરે વધતા રહ્યા હતા.
ONS અનુસાર આલ્કોહોલ મૃત્યુ એ છે જે આલ્કોહોલના દુરુપયોગથી સીધા થાય છે. મોટા ભાગના મોત આલ્કોહોલ પરના આધાર અને લાંબા સમયના શરાબપાનની સમસ્યાથી થાય છે. ગયા વર્ષે આલ્કોહોલ સંબંધિત મૃત્યુના ૬ ટકા આલ્કોહોલના અકસ્માતે ઝેરથી થયાં હતાં. જ્યારે ૧૦ ટકા મોત શરાબના ઉપયોગથી માનસિક અને વર્તનના ડિસઓર્ડર્સના લીધે તેમજ ૮૦ ટકા મોત આલ્કોહોલિક લિવર ડીસિઝના કારણે થયા હતા.
ઈંગ્લેન્ડમાં જે પુરુષો દેશના સૌથી ધનવાન વિસ્તારોમાં રહેતા હતા તેમની સરખામણીએ કચડાયેલા અને વંચિત વિસ્તારોમાં રહેતા પુરુષોમાં આલ્કોહોલના લીધે મોતનું કારણ ચાર ગણું રહેવાની શક્યતા હતી. પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે આલ્કોહોલથી થતા મોતના દરમાં તફાવતમાં કોઈ ફેરફાર નથી. ૨૦૨૦માં પુરુષોમાં આલ્કોહોલથી મોતનું પ્રમાણ સ્ત્રીઓની સરખામણીએ બમણું હતું. વર્ષ ૨૦૨૦ના આખરી મહિનાઓમાં પ્રતિ ૧૦૦,૦૦૦ વ્યક્તિએ પુરુષ અને સ્ત્રી માટે મૃત્યુદર અનુક્રમે ૧૭.૮ ટકા અને ૯.૭ ટકા હતો.