લંડનઃ યુકે સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ મહામારી ફેલાઈ છે ત્યારે એક અભ્યાસ અનુસાર બ્લડ ગ્લુકોઝનું ઊંચુ સ્તર અથવા ડાયાબિટીસ ધરાવતા પેશન્ટ્સ કોવિડ-૧૯થી મોત પામવાનું જોખમ વધુ રહે છે. નિષ્ણાતોને ઊંચા બ્લડ ગ્લુકોઝ અને તીવ્ર કોવિડ-૧૯ વચ્ચેની કડી જોવા મળી છે. ગ્લુકોઝ મેટાબોલિઝમમાં વધારાના કારણે ઈમ્યુન સેલ્સના ઉત્પાદનમાં પણ ઉછાળો આવે છે જેને સાયટોકાઈન (Cytokine) સ્ટ્રોમ તરીકે ઓળખાય છે અને સામાન્યપણે ફેફસાંને અસર કરે છે.
વુહાન યુનિવર્સિટીના નિષ્ણાતો અનુસાર ડાયાબિટીસ ધરાવતા પેશન્ટ્સને કોવિડ-૧૯ના અલગ સ્ટ્રેઈન્સનો ચેપ લાગવાનું જોખમ વધુ રહે છે. જો તેમને ચેપ લાગે તો ફેફસાંમાં ઈમ્યુન સેલ્સનું ઉત્પાદન વધી જવાના કારણે તેમના મોતનું જોખમ પણ વધે છે. કોરોના વાઈરસથી હાઈ બ્લડ ગ્લુકોઝનું ચયાપચય – મેટાબોલિઝમ વધે છે જેને, સાયટોકાઈન (Cytokine) સ્ટ્રોમ કહેવાય છે. આના પરિણામે ભારે સંખ્યામાં ઈમ્યુન સેલ્સનું ઉત્પાદન વધે છે અને તે મુખ્યત્વે ફેફસાંમાં થાય છે.
આ અભ્યાસના તારણો ઉંદરો પર પ્રયોગોના આધારે લેવાયાં છે અને સાયન્સ એડવાન્સીસ જર્નલમાં પ્રસિદ્ધ કરાયાં છે. સંશોધકોએ ફ્લુનું નિદાન કરાયેલા દર્દીઓના બ્લડ સેમ્પલ્સને સ્વસ્થ લોકોના સેમ્પલ્સ સાથે સરખાવ્યાં હતાં. વુહાનની બે હોસ્પિટલોમાં ૨૦૧૭-૨૦૧૯ના ગાળામાં શારીરિક તપાસો દરમિયાન વોલન્ટીઅર્સ પાસેથી સેમ્પલ મેળવાયા હતા.
સાયટોકાઈન્સ શરીરમાં રોગપ્રતિરોધક સિસ્ટમ સહિત ઘણાં અલગ કોષોમાંથી રીલિઝ કરાતા એક પ્રકારના નાના પ્રોટિન્સ છે જેઓ, ઈન્ફેક્શન વિરુદ્ધ શરીરના પ્રત્યાઘાતનું સંકલન કરે છે તેમજ સોજા અને બળતરાની પ્રતિક્રિયા આપે છે.ઘણી વખત ઈન્ફેક્શન સામે શરીરનો પ્રત્યાઘાત ઘણો વધી જાય છે. કોવિડ-૧૯ વાઈરસ ફેફસાંમાં પ્રવેશવા સાથે રોગપ્રતિકારક પ્રત્યાઘાતની પ્રક્રિયા આરંભાય છે. ઈમ્યુન સેલ્સ વાઈરસ પર હુમલો કરવા ધસી જાય છે અને તે જગ્યાએ દાહ-સોજા થાય છે. કેટલાક પેશન્ટ્સમાં સાયટોકાઈન્સનું નિરંકુશ પ્રમાણ વધવા સાથે વધુ ઈમ્યુન સેલ્સ પેદા થાય છે અને હાયપરઈન્ફ્લેમેશન સર્જાય છે. આથી, ડાયાબિટીસ ધરાવતા પેશન્ટ્સ આ વાઈરસથી મોતને ભેટવાનું જોખમ ઘણું વધે છે.