કોવિડ-૧૯થી સાજા થયેલા એશિયનોના પ્લાઝમાથી જીવન બચાવવાની વધુ શક્યતા

Friday 26th June 2020 01:33 EDT
 
ભૈરવી સંપત
 

લંડનઃ  NHS દ્વારા કરાયેલા તાજેતરના અભ્યાસમાં જણાયું છે કે કોવિડ-૧૯ની બીમારીમાંથી સાજા થયેલા એશિયનોના પ્લાઝમા એન્ટિ-બોડીઝથી વધુ સમૃદ્ધ હોવાથી લોકોના જીવન બચાવવાની વધુ શક્યતા રહી છે. એશિયન દાતાઓ કોવિડ-૧૯થી સંક્રમિત લોકોને મદદ કરવા પ્લાઝમાનું દાન કરવા NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT)ની અપીલને સહકાર આપી રહ્યા છે.

હાલ NHSBT મહત્ત્વપૂર્ણ કોરોના વાઈરસ સારવારની ટ્રાયલ માટે પુનઃ સ્વસ્થ થયેલા દર્દીઓ પાસેથી પ્લાઝમા એકત્ર કરી રહેલ છે. અને જો  ટ્રાયલ સફળ થશે તો હોસ્પિટલોમાં તેનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવશે. કોવિડ-૧૯ની બીમારીમાંથી સાજા થયેલા લોકોના એન્ટિ-બોડીઝથી સમૃદ્ધ પ્લાઝમા રોગ પ્રતિકાર શક્તિ વધારવા ઝઝૂમી રહેલા દર્દીઓને ચડાવી શકાય છે. લેવિશામ એન્ડ ગ્રીનિચ NHS ટ્રસ્ટ ખાતે કામ કરતાં ઈન્ફેક્શન પ્રીવેન્શન એન્ડ કંટ્રોલ નર્સ સ્પેશિયાલિસ્ટ ભૈરવી સંપત હાલમાં જ કોરોના વાઈરસ રોગમાંથી સાજાં થયાં છે અને તેમણે સાઉથ લંડનના ટૂટિંગ ડોનર સેન્ટરમાં પોતાનાં સ્વસ્થ પ્લાઝમાનું દાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે,‘હું પ્લાઝમા દાન કરવા બાબતે ઘણી નર્વસ હતી પરંતુ, ધાર્યાં કરતાં તે વધુ સહેલું જણાયું હતું. હું માનું છું કે એશિયન કોમ્યુનિટીમાં આ બાબતે ખુલ્લાંપણું હોવું જોઈએ. વાઈરસ બાબતે હજુ શરમ અનુભવાય છે, લોકો તેમને ચેપ લાગ્યો હતો તેમ કહેતા પણ નથી. આ સાદી પ્રક્રિયા છે. તમે કમનસીબ લોકોને મદદ કરી શકો છો.’

આંકડા દર્શાવે છે કે કોરોનાથી પુનઃ સ્વસ્થ થયેલા એશિયન પ્લાઝમા ડોનર્સમાં વ્હાઈટ દાતાઓની સરખામણીએ એન્ટિબોડીઝનું પ્રમાણ લગભગ બમણું હોવાની શક્યતા છે. આશરે ૬૩ ટકા એશિયન દાતાઓમાં એન્ટિબોડીઝનું ઊચ્ચ પ્રમાણ હતું જ્યારે શ્વેત દાતાઓમાં તે ૩૬ ટકા હતું. આ પરિણામ ૨૧ એપ્રિલથી મે ૧૧ના ગાળામાં ૫૯૨ લોકો દ્વારા કરાયેલા પ્લાઝમા દાનના આધારે છે.

NHSBTના બ્લડ ડોનેશન માટેના એસોસિયેટ મેડિકલ ડાયરેક્ટર પ્રોફેસર ડેવ રોબર્ટ્સે આ નિરીક્ષણો પર ટીપ્પણી કરી હતી કે,‘આ પ્રમાણમાં ઓછાં ડોનર્સ પર આધારિત પ્રાથમિક પરિણામો છે પરંતુ, આંકડાની દૃષ્ટિએ નોંધપાત્ર છે. વ્હાઈટ ડોનર્સની સરખામણીએ એશિયન પશ્ચાદભૂ સાથેના અમારા દાતાઓમાં જીવન બચાવી શકે તેવા પ્લાઝમા વધુ હોવાની શક્યતા છે. આમ શા માટે છે તે અંગે અમે ચોક્કસ નથી પરંતુ, અત્યાર સુધીની કામગીરી અને ભૂતકાળના અનુભવો સૂચવે છે કે જેમ લોકો ગંભીર બીમાર થાય તેમ તેમનામાં વધુ એન્ટિબોડીઝ બને છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા જણાવાયું છે કે કોવિડ-૧૯થી સંક્રમિય એશિયન કોમ્યુનિટીના લોકોને ગંભીરપણે બીમાર થવાનું ભારે જોખમ રહેલું છે.

તેમણે ઉમેર્યું હતું કે,‘અમે લોકોને ખાતરી આપીએ છીએ કે આ રીતે પ્લાઝમા આપવાનું સહેલું છે. તમારું શરીર તમે પ્લાઝમાના એન્ટિબોડીઝ દાન કરો તેની સાથે નવેસરથી એન્ટિબોડીઝ બનાવવા લાગે છે. પુનઃ સ્વસ્થતા પછી પ્લાઝમા દાન કરવાથી તમે જિંદગીઓ બચાવી શકો છો.’ NHSBTના લંડન, બર્મિંગહામ, માન્ચેસ્ટર, લૂટન અને લીડ્ઝ સહિત ૨૩ ડોનર્સ સેન્ટર્સમાં કોન્વલ્ઝન્ટ પ્લાઝમા દાન કરી શકાય છે. આ કામ માત્ર ૪૫ મિનિટમાં જ કરી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter