વર્ષ ૨૦૨૦માં કોરોના વાઈરસના પ્રથમ મોજાથી બ્રિટિશરો ત્રાહિમામ પોકારી ગયા ત્યારે અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) સમુદાયને કોરોના વાઈરસ સંક્રમણ અને પરિણામસ્વરુપ મોતના ગંભીર જોખમ વિશે અનેક સ્વતંત્ર રિપોર્ટ્સ જોવાં મળ્યા હતા. ઘણા અભ્યાસોએ સ્પષ્ટ કર્યું કે સંસ્થાગત રેસિઝમના કારણે મહામારી સામે નબળો પ્રતિસાદ અપાયો અને લોકોએ જીવ ગુમાવ્યાં હતા.
જોકે, ૨૦૨૧માં ત્રીજા લોકડાઉને બ્રિટનને પાંગળું બનાવી દીધું છે ત્યારે પણ કોમ્યુનિટીઝને સુસંગત માહિતી ને હકીકતો પહોંચાડવા બાબતે કશું કરાયું નથી. આ ઉપરાંત, ગેરમાહિતી, કાવતરાંની થીઅરીઓ અને ફેક ન્યૂઝનો મારો વધી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા તેનો સામનો કરવાના કોઈ જ પ્રયાસ કરાયા નથી.
વાંચકોએ સોશિયલ મીડિયા ચેનલોમાં નોર્વેમાં વેક્સિન લીધા પછી ૨૩ લોકોના મોત સહિતના ફેક ન્યૂઝ અને ખાસ કરીને ધાર્મિક લોકોને લક્ષ્ય બનાવતા સમાચારો વિશે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું.
સાયન્ટિફિક એડવાઈઝરી ગ્રૂપ ફોર ઈમર્જન્સીઝ (Sage) દ્વારા નવેમ્બર ૨૦૨૦માં હાથ ધરાયેલા સંશોધનમાં ૧૨,૦૦૦ લોકોનો મત લેવાયો હતો જેમાં, વસ્તીના ૮૨ ટકાએ વેક્સિન લેવાની તૈયારી દર્શાવી હતી જ્યારે ૭૨ ટકા અશ્વેત લોકોએ તેઓ રસી નહિ લગાવડાવે તેમ જણાવ્યું હતું. આ રિપોર્ટમાં જણાવાયું હતુ કે,‘ માળખાકીય અને સંસ્થાગત રેસિઝમ અને ભેદભાવના કારણે BAME કોમ્યુનિટીઓમાં વેક્સિન બાબતે શંકા ઉપજી છે. વેક્સિન રિસર્ચ અને ટ્રાયલ્સમાં પણ તેમનો હિસ્સો ઓછો રહ્યો હતો.’ પાકિસ્તાની, બાંગલાદેશી અને ઈસ્ટર્ન યુરોપિયન જૂથોએ પણ કોવિડ વેક્સિન લેવા ઈચ્છુક નહિ હોવાનું જણાવ્યું છે. મહિલાઓ, યુવાન લોકો તેમજ ઓછું શિક્ષણ ધરાવતા લોકોએ પણ અન્યોની સરખામણીએ વધુ ખચકાટ દર્શાવ્યો છે.
વેક્સિન મિનિસ્ટર નધિમ ઝાહાવીએ પણ કેટલીક BAME કોમ્યુનિટીના લોકોને કોરોના વાઈરસનું જોખમ રહેશે તેવી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો ૮૫ ટકા પુખ્ત વસ્તીનું રસીકરણ થઈ જાય તો પણ બાકીના ૧૫ ટકામાં BAME કોમ્યુનિટીઝનું પ્રમાણ વધુ હશે અને વાઈરસ આ કોમ્યુનિટીઓને ઝડપથી સંક્રમિત કરશે. મહામારીની પ્રથમ લહેરના પ્રાપ્ત ડેટા અનુસાર વંશીય લોકોનું કોવિડથી મોત થાય તેવી બમણી શક્યતા રહે છે. ૯ - ૬૪ વયજૂથના અશ્વેત આફ્રિકન અને બાંગલાદેશી પુરુષોમાં કોરોના વાઈરસથી મોતનો દર શ્વેત પુરુષો કરતાં પાંચ ગણો જણાયો હતો.
BAME કોમ્યુનિટીને વધુ કાળજીની જરુર
ન્યુહામના પ્રોજેક્ટ સર્જરીના જીપીએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને ખાસ જણાવ્યું હતું કે કોમ્યુનિટીમાં ઘણો ભય છે. એક ભય વેક્સિન આટલી ઝડપથી કેવી રીતે તૈયાર થઈ તેના વિશે પણ છે. વેક્સિનતી નપુંસકતા આવશે તેવો પણ ભય છે. ધાર્મિક નેતાઓ અને કોમ્યુનિટી ગ્રૂપ્સ દ્વારા લોકોમાં વિશ્વાસ ઉભો કરી ભય સામે લડી શકાય કોવિડ અંગે ઘણી ગૂંચવણો છે. મંદિરો, મસ્જિદોમાં પણ લોકોને સાચી માહિતી આપી શકાય અથવા મીડિયા કેમ્પેઈન પણ થઈ શકે.
અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતીના મૃતકોના સગાંવહાલાંના જણાવ્યા અનુસાર વેક્સિનમાં પોર્ક હશે અને તે હલાલ નહિ હોય તેમજ તેનાથી DNAમાં ફેરફારો થશે સહિતની ધાર્મિક માન્યતાઓ સંદર્ભે ગેરમાહિતી ફેલાવાય છે. ભાષા અને સાંસ્કૃતિક અવરોધો પણ વેક્સિન તરફની શંકામાં વધારો કરે છે.
BAMEને વેક્સિનેશનમાં પ્રાયોરિટીની હાકલ
યુકેમાં સોમવાર ૧૮ જાન્યુઆરી સુધીમાં ૪ મિલિયનથી વધુ લોકોને કોવિડ ૧૯ વેક્સિનના ડોઝ અપાયા છે ત્યારે કોરોનાનું ઊંચું જોખમ ધરાવતા અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) સમુદાયોને વેક્સિનેશનમાં પ્રાયોરિટી આપવા જાહેર આરોગ્ય નિષ્ણાતો અને સાંસદોએ હાકલ કરી છે.
રોયલ કોલેજ ઓફ જીપીસના અધ્યક્ષ પ્રોફેસર માર્ટિન માર્શલે વ્હાઈટહોલને જાહેર આરોગ્ય કેમ્પેઈન શરુ કરવા જણાવ્યું છે. BAME સમુદાયના લોકોને વાઈરસથી ખરાબ અસર થાય છે એટલું જ નહિ તેઓ વેક્સિન લે તેવી શક્યતા પણ ઓછી છે. આ સંજોગોમાં આ સમુદાયોના લોકોને વેક્સિનની સલામતી અને અસરકારકતાની હૈયાધારણા અને રસી લેવાનું પ્રોત્સાહન આપવા માટે જ વિશેષ પબ્લિક હેલ્થ કોમ્યુનિકેશન્સ જરુરી બને છે.