નવી દિલ્હી: ક્લાઈમેટ ચેન્જની અસરો ઉપર વર્ષોથી અભ્યાસ કરી રહેલા વિજ્ઞાનીઓ કહે છે કે કલાઈમેટ ચેન્જ દુનિયાના એક એક માણસની રાતની ઊંઘ ભરખી રહ્યું છે. નિષ્ણાતોએ 68 દેશોના સ્વયંસેવકોને કાંડે પહેરવાના રિસ્ટ બેન્ડ આપ્યા હતા, જેના થકી વ્યક્તિનો ઊંઘનો સમયગાળો ઓટોમેટિક રેકોર્ડ કરાયો હતો. આવા 70 લાખ રેકોર્ડનો અભ્યાસ કર્યા પછી નિષ્ણાતોએ રિપોર્ટ આપ્યો છે કે કલાઈમેટ ચેન્જના કારણે રાત્રે તમને ઊંઘ આવવાનો સમય મોડો થતો જાય છે. તમારી ઊંઘ ઓછી થતી જાય છે. આગામી વર્ષોમાં દરેક વ્યક્તિની રોજની ઊંઘમાં સરેરાશ 10 મિનિટનો ઘટાડો થઈ જશે. યુવાનો કરતાં મોટી ઉંમરના વડીલો અને પુરુષો કરતાં સ્ત્રીઓને ઊંઘનું નુકસાન વધુ થશે. કોઇને ભલે ઊંઘમાં 10 મિનિટનો ઘટાડો નજીવો લાગતો હોય, પરંતુ વિજ્ઞાનીઓ કહે છે કે દરરોજ 10 મનિટ મોડા ઉંઘવાથી લોકોની શારીરિક અને માનસિક સમતુલા ખોરવાઈ જશે.
ગરમી વધવાની ઊંઘ પર વિપરિત અસર
ક્લાઈમેટ ચેન્જ આખી દુનિયાનું તપામાન વધારી રહ્યું છે. ઉષ્ણતામાનનો પારો ઊંચો ચડવાથી ઊંઘ મોડી આવે છે. બધા માણસોના શરીર એક ચોક્કસ તાપમાનથી ટેવાયેલા હોય છે. અને એ પ્રમાણે શરીરનું તાપમાન પણ જળવાતું હોય છે. શરીરના તાપમાનમાં ઘટાડો થાય તો જ ઊંઘ આવે છે. વાતાવરણ ગરમ રહે તો શરીર ઠંડુ પડતું નથી, અને તેના પરિણામે ઊંઘ આવી શકતી નથી.
થાક લાગ્યો હોય ત્યારે અને સુવાનો સમય થઈ ગયો હોય ત્યારે શરીરને ઠંડુ કરવા ઓટોમેટિક સિસ્ટમ કામ કરે છે. શરીર આપણા હાથની હથેળી અને પગના તળિયાની લોહીની નળીઓ જરાક પહોળી કરી ત્યાં વધારે લોહી ધકેલવા લાગે છે. આ ભાગે ચામડી નીચેથી લોહી પસાર થાય છે ત્યારે તે ઠંડું થતું જાય છે. પરિણામે શરીર ઠંડું થતાં ઊંઘ આવી જાય છે. આ માટે આપણી આસપાસનું તાપમાન શરીર કરતાં ઓછું હોવું જોઈએ. જો આમ ના થાય તો ઊંઘ આવતી નથી.